दुनिया

‘વચ્ચે ના પડશો, આ અમારો મામલો છે….’, અચાનક જ ચીને ભારતને કયા મામલે આંખો બતાવી? | India China Diplomatic Relations Dalai Lama



India China Diplomatic Relations Dalai Lama: ચીને ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે. જેમાં આ વખતે આ મુદ્દો દલાઈ લામાનો છે. લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી ભારતીય સરહદ પર ગેરકાયદે દાવો કરનાર ચીને ભારતને દલાઈ લામાના મામલાથી દૂર રહેવા કહ્યું છે. તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી અંગે ચીન ગભરાયેલું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ચીની દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચીનનો આંતરિક મામલો છે અને ભારતે તેમાં દખલ કરવાનું ટાળવું જોઈએ.

સમગ્ર મામલે ચીનના પ્રવક્તા યૂ જિંગે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીનો મુદ્દો સંપૂર્ણપણે ચીનનો આંતરિક મામલો છે અને ભારતે તેમાં દખલ ન કરવી જોઈએ. આ ઉપરાંત, ચીની દૂતાવાસે માગ કરી છે કે ભારત ‘તિબેટની સ્વતંત્રતા’ની માંગણી કરતાં સંગઠનો અને નેતાઓને પોતાની ધરતીનો ઉપયોગ કરવા માટે પ્લેટફોર્મ પૂરું ન પાડે. 

ચીને શું કહ્યું?

આ સમય દરમિયાન ચીને કહ્યું કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી હંમેશા ધાર્મિક પરંપરાઓ અને ઐતિહાસિક રિવાજો અનુસાર કરવામાં આવી છે અને ચીનની મંજૂરી જરૂરી હોય છે. યૂ જિંગે કહ્યું, “દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માટે સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓ અને ઐતિહાસિક પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે અને ચીનની કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. 14મા દલાઈ લામાને પણ આ પ્રક્રિયા હેઠળ માન્યતા આપવામાં આવી હતી. દલાઈ લામાના પુનર્જન્મનો મુદ્દો સંપૂર્ણપણે ચીનનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપ ન હોવો જોઈએ.”

તિબેટને લઈને ચીને શું કહ્યું?

તિબેટ પર વાત કરતાં ચીને વધુમાં જણાવ્યું હતું કે, ‘સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન’ કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા માન્ય નથી અને તેને આ પ્રક્રિયા પર દાવો કરવાનો કોઈ અધિકાર નથી. યૂ જિંગે ટિપ્પણી કરી હતી કે, “અમે આશા રાખીએ છીએ કે ભારત આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરવાનું ચાલુ રાખશે. જેમાં ‘તિબેટીયન સ્વતંત્રતા’ સંબંધિત પ્રવૃત્તિઓને કોઈપણ પ્લેટફોર્મ પૂરું પાડવાનું ટાળશે અને દલાઈ લામાના પુનર્જન્મના મુદ્દામાં દખલ કરવાનું ટાળશે. આનાથી બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત બનાવવામાં પણ મદદ મળશે.” 

અગાઉ પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો

નોંધનીય છે કે, ચીને ગયા વર્ષે પણ આ બાબતે ભારતને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો. ચીની દૂતાવાસે દલાઈ લામાના ઉત્તરાધિકારીના મુદ્દાને ભારત-ચીન સંબંધોમાં મોટો કાંટો ગણાવ્યો હતો. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 14મા દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. આનાથી ચીન ગુસ્સે થયું હતું અને તેણે સખત વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ચીન કેમ નારાજ?

ચીનના આ વિરોધ પાછળનું સાચું કારણ એ છે કે દલાઈ લામાએ પોતે સ્પષ્ટતા કરી છે કે, ચીન તેમના ઉત્તરાધિકારીની પસંદગીમાં કોઈ ભૂમિકા ભજવશે નહીં. ગયા વર્ષે આ જાહેરાત કર્યા પછી 14મા દલાઈ લામાએ અનેક વખત જાહેરમાં આ મુદ્દાને પુનરાવર્તિત કર્યો હતો. દલાઈ લામાએ જણાવ્યું છે કે, ‘આગામી અવતાર લોકશાહી અને સ્વતંત્ર દેશમાં પણ જન્મી શકે છે.’ ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ એક નિવેદન બહાર પાડીને નોંધ્યું હતું કે, દલાઈ લામાના અનુયાયીઓ ઈચ્છે છે કે તિબેટીયન આધ્યાત્મિક નેતા પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરે.



Source link

Related Articles

Back to top button