दुनिया

વિશ્વ મોટા યુદ્ધની અણી પર? યુક્રેન પર રશિયાનો હાઈપરસોનિક મિસાઈલથી હુમલો, યુરોપના દેશોમાં ફફડાટ | russia confirms oreshnik hypersonic missile strike ukraine kyiv attack



Russia Oreshnik missile Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ખતરનાક અને વિનાશક મોડ પર પહોંચી ગયું છે. રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરીને દુનિયાભરમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ હુમલામાં રશિયાએ પરમાણુ ક્ષમતા ધરાવતી પોતાની સૌથી ઘાતક ઓરેશ્નિક હાયપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. જેના કારણે ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન (EU) સહિતના દેશોએ રશિયાની આકરી નિંદા કરી છે.

યુદ્ધમાં નવો વળાંક

રશિયા-યુક્રેન યુદ્ધમાં રવિવારે એક એવો વળાંક આવ્યો છે જેણે સમગ્ર યુરોપને ચિંતામાં મૂકી દીધું છે. રશિયાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેણે રાતોરાત યુક્રેન પર કરેલા ભીષણ હુમલામાં પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ ઓરેશ્નિક હાયપરસોનિક બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સરહદની અંદર નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વિનાશક હુમલામાં રશિયાએ માત્ર ઓરેશ્નિક જ નહીં, પરંતુ ઇસ્કાન્દર (Iskander), કિન્ઝલ (Kinzhal) અને ઝિર્કોન (Tsirkon) જેવી ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોનો આખો કાફલો યુક્રેન તરફ તાક્યો હતો. 

આ પણ વાંચો : રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટથી હચમચ્યું પાકિસ્તાનનું ક્વેટા શહેર, 23ના મોત, 53થી વધુ ઈજાગ્રસ્ત

ફ્રાન્સ અને યુરોપિયન યુનિયને ગણાવ્યું પરમાણુ બ્લેકમેલિંગ

રશિયાના આ પગલાથી યુરોપિયન દેશો લાલઘૂમ થઈ ગયા છે અને રશિયા પર આકરા પ્રહારો કર્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રીય પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “નાગરિકો પર રશિયાના હુમલા ચાલુ જ છે. ફ્રાન્સ આ હુમલા અને ઓરેશ્નિક મિસાઈલના ઉપયોગની સખત નિંદા કરે છે. આ બાબત રશિયાના આક્રમક યુદ્ધની નિષ્ફળતા દર્શાવે છે.”

યુરોપિયન યુનિયન (EU)

EU ના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે મોસ્કો પર આતંક ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, રશિયા યુદ્ધના મેદાનમાં હારી રહ્યું છે તેથી તે શહેરોના કેન્દ્રો પર જાણીજોઈને હુમલા કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી કે, પરમાણુ હથિયાર લઈ જવા માટે બનેલી મિસાઈલનો ઉપયોગ કરવો એ રશિયાની અત્યંત જોખમી પરમાણુ દાદાગીરીઅને રાજકીય ધમકી આપવાની વ્યૂહનીતિ છે.

600 ડ્રોન અને 90 મિસાઈલોનો વરસાદ

યુક્રેનની એરફોર્સના જણાવ્યા અનુસાર, આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. રશિયાએ એકસાથે આશરે 600 ડ્રોન અને 90 મિસાઈલો હવામાં છોડી દીધી હતી. યુક્રેનની સંરક્ષણ પ્રણાલીએ વળતી કાર્યવાહી કરીને 549 ડ્રોન અને 55 મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી, પરંતુ કેટલીક બેલિસ્ટિક મિસાઈલો ડિફેન્સ સિસ્ટમને ભેદીને શહેરો પર ખાબકી હતી. યુક્રેનના રાષ્ટ્રીય પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું કે ઓરેશ્નિક મિસાઈલ કીવ ક્ષેત્રના બિલા ત્સેરક્વા (Bila Tserkva) શહેરમાં ત્રાટકી છે. આ હુમલામાં કીવના રહેણાંક વિસ્તારો, શાળાઓ, શોપિંગ સેન્ટરો અને વેરહાઉસને ભારે નુકસાન થયું છે. વહીવટી તંત્રના મતે આ હુમલામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે અને 60 થી વધુ લોકો ઘાયલ થયા છે.

કેટલી ખતરનાક છે ‘Oreshnik’ મિસાઈલ?

ઓરેશ્નિક એ મધ્યમ અંતરની હાયપરસોનિક બેલિસ્ટિક મિસાઈલ છે, જે પરમાણુ અથવા પરંપરાગત બંને પ્રકારના હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દાવો કરી ચૂક્યા છે કે, આ મિસાઈલની ઝડપ મેક 10 કરતા પણ વધુ છે, એટલે કે તે અવાજની ગતિ કરતા 10 ગણી ઝડપે દોડે છે. આટલી ઝડપ હોવાને કારણે હાલની કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને હવામાં રોકવી અશક્ય સમાન છે.

ઊંડા બંકરોને પણ ભેદવા સક્ષમ છે આ મિસાઇલ

પુતિનના જણાવ્યા મુજબ, ઓરેશ્નિક જમીનની અંદર ખૂબ ઊંડે આવેલા બંકરોને પણ તોડી પાડવા સક્ષમ છે અને સામાન્ય હથિયારો સાથે પણ આ મિસાઈલ પરમાણુ હુમલા જેવી જ તબાહી મચાવી શકે છે. નોંધનીય છે કે, રશિયાએ આ મિસાઈલનો સૌથી પહેલો ઉપયોગ નવેમ્બર 2024માં યુક્રેનના ડીનિપ્રો પર કર્યો હતો અને ત્યારબાદ જાન્યુઆરી 2026માં પશ્ચિમી લ્વીવ ક્ષેત્રમાં તેનો ઉપયોગ કર્યો હતો. હવે આ વર્ષે ફરી એકવાર આ મિસાઈલના ઉપયોગથી યુદ્ધ વધુ ભયાનક સ્તરે પહોંચી ગયું છે.





Source link

Related Articles

Back to top button