दुनिया

હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે… શાંતિ કરાર પહેલા ઈરાને ફરી ટ્રમ્પના દાવા પર પાણી ફેરવ્યું | US Iran Peace Deal Near Completion Donald Trump Claims 14 Point MoU Ready to End Conflict




US Iran Peace Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે, ઈરાન સાથે શાંતિ કરાર લગભગ નક્કી થઈ ગયો છે અને હવે માત્ર છેલ્લી ઔપચારિકતાઓ પર જ વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ કરારથી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. અમેરિકા, ઈરાન અને અન્ય કેટલાક દેશો વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા બાદ આ વાતચીત હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

પીએમ નેતન્યાહૂ સાથે થઈ હકારાત્મક ચર્ચા

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘મેં આ વિષય પર ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ફોન પર વાત કરી છે, જે ખૂબ જ સકારાત્મક રહી છે. કરારના અંતિમ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.’

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા બાબતે ઈરાનનો ઈનકાર

અમેરિકન પ્રમુખે એવો પણ દાવો કર્યો હતો કે આ શાંતિ કરાર અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટને દરિયાઈ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાનનું કહેવું છે કે, ‘હોર્મુઝ પર અમારું જ નિયંત્રણ રહેશે.’ અહેવાલો અનુસાર, ઈરાન માત્ર યુદ્ધ પહેલા જેટલા જહાજો ત્યાંથી પસાર થતા હતા તેટલા જ જહાજોને મંજૂરી આપવા માટે સહમત થયું છે, પરંતુ તેને સંપૂર્ણપણે મુક્ત માર્ગ ગણી શકાય નહીં.

14 મુદ્દાઓનું શાંતિ સમજૂતી પત્ર

ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને એક ‘મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ’ (MoU) ગણાવ્યો છે, જેમાં શાંતિ સ્થાપવા માટેના 14 મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે. તેમના મતે, અમેરિકા, ઈરાન અને અન્ય દેશોની આખરી મંજૂરી મળ્યા બાદ જ આ કરારને આખરી ઓપ આપવામાં આવશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ વાટાઘાટોનો મુખ્ય હેતુ યુદ્ધને રોકવાનો છે, જેમાં દરિયાઈ હુમલા બંધ કરવા અને ઈરાન પરના કેટલાક આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ આપવા જેવા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ સહમતી નહીં

અમેરિકા તરફથી જાહેર કરાયેલા આ શાંતિ સંદેશમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ ટ્રમ્પના આ નિવેદનને માત્ર એક ‘પ્રચાર’ ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી પરમાણુ કાર્યક્રમને લઈને કોઈ પણ પ્રકારનો કરાર થયો નથી કે ઈરાન દ્વારા એવી કોઈ પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી નથી.

આ પણ વાંચો: રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટથી હચમચ્યું પાકિસ્તાનનું ક્વેટા શહેર, 23ના મોત, 53થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાને આગામી બેઠક માટે તૈયારી દર્શાવી

આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત પાકિસ્તાનમાં યોજાઈ શકે છે. તેમણે ટ્રમ્પના આ શાંતિ પ્રયાસોને અસાધારણ પ્રયાસ ગણાવીને તેના વખાણ કર્યા હતા. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં પ્રાદેશિક શાંતિ અને આ શાંતિ કરાર અંગે ચર્ચા થઈ હતી. શાહબાઝ શરીફે જણાવ્યું કે પાકિસ્તાન આ વિસ્તારમાં કાયમી શાંતિ માટે પોતાના પ્રયાસો ચાલુ રાખશે અને આગામી વાટાઘાટોની યજમાની કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.



Source link

Related Articles

Back to top button