ન્યૂ યોર્કનો પ્રવાસ ટૂંકાવી ટ્રમ્પ તાત્કાલિક વ્હાઈટ હાઉસ પરત | Trump cuts short New York trip returns to White House immediately

![]()
– પેન્ટાગોનમાં અધિકારીઓ સાથે ઇરાન મુદ્દે ટ્રમ્પની ઇમરજન્સી બેઠક
– શાંતિમંત્રણા અમેરિકા-ઇરાન વચ્ચે જાણે કાગળોની આપલેથી વિશેષ રહી ન હોવાનો અધિકારીઓનો મત
વોશિંગ્ટન : ઇરાન સાથેની અંતિમ મિનિટની વાટાઘાટ પીસ ડીલમાં પરિવર્તીત ન થઈ તો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી હુમલાઓ શરૂ કરવા ગંભીરપણે વિચારી રહ્યા છે, એમ અમેરિકન મીડિયાએ જણાવ્યું હતું. ટ્રમ્પ આ અંગે ઇરાન પર હુમલા અંગે ચર્ચા કરવા સીનિયર નેશનલ સિક્યોરિટી ટીમને મળ્યા હતા. પાક.ના લશ્કરી વડા અસીમ મુનિર તાજેતરમાં તહેરાન જઈ આવ્યા હતા. તે શાંતિમંત્રણામાં કતારથી જોડાયા હતા.
પાક. જનરલ મુનીર શનિવારે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર જનરલ એહમદ વાહિદીને મળવાના છે. વાહિદી ઇરાનના નિર્ણય પ્રક્રિયાનો મહત્ત્વનો હિસ્સો છે. અમેરિકન અધિકારીનું કહેવું છે કે મંત્રણાઓ કોઈ અર્થપૂર્ણ પ્રગતિ સધાઈ નથી, પણ જાણે કાગળો આપલે પૂરતી સીમિત રહી ગઈ છે. વ્હાઇટ હાઉસમાં શુક્રવારે સવારે ટ્રમ્પે યોજેલી બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ, સીઆઇએ ડિરેક્ટર જહોન રેટક્લિફ, વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સ્યુઇસ વિલ્સ અને અન્ય અધિકારી હાજર રહ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન અમેરિકા સાથે ડીલ કરવા અત્યંત તત્પર છે, આપણે જોઈએ શું થાય છે. આપણે હુમલો કરીશું તો તે જબરદસ્ત હશે. અમે કોઈપણ સંજોગોમાં ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોય તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. અમેરિકન વિદેશપ્રધાન માર્કો રૂબિયોએ અગાઉ જણાવ્યું હતું કે શાંતિ મંત્રણામાં થોડી પ્રગતિ થઈ છે.
આ મીટીંગ દરમ્યાન અધિકારીઓએ તેટલું તો કબુલ્યું જ હતું કે શાંતિ મંત્રણા મુશ્કેલ બનતી જાય છે. તેમાં ખાસ પ્રગતિ થતી નથી. શાંતિ-કરારો થઈ શક્યા જ નથી. બીજી તરફ ઇરાનના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે હજી મંત્રણાઓ ચાલી રહી છે. તે સર્વવિદિત છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો મુખ્ય હેતુ ઇરાનની પરમાણુ ક્ષમતા તદ્દન મર્યાદિત રાખવાની છે અને તહેરાનને મીયર-એટમિક પાવર બનતું રોકવાનો છે. ઇરાનના યુરેનિયમ એનરિચમેન્ટને લાંબા સમય સુધી અટકાવવા ઉપરાંત કડક-તપાસ અને ઇરાનનો તે પ્રદેશમાં લશ્કરી વિસ્તાર રોકવાનો છે.
અમેરિકાની મુખ્ય માગણીઓમાં જોઈએ તો ૨૦ વર્ષ સુધી ઇરાને તેનો યુરેનિયમ એનરિચમેન્ટ કાર્યક્રમ મોકૂફ રાખવો.ઇરાન પાસે અત્યારે એનરિચ્ડ યુરેનિયમ (સમૃદ્ધ યુરેનિયમ)નો જે જથ્થો છે તે (અમેરિકાને) આપી દેવો અથવા બીજા કોઈ વિશ્વાસનીય દેશને આપવો. ઇલ્ફરાન, નાતાન્ઝ અને ફોરડોવ સ્થિત સહિતની તમામ ન્યુક્લિયર ફેસિલીટીઝ (પરમાણુ સંસ્થાઓ) બંધ કરવી અથવા છૂટી પાડી દેવી. તેની ન્યુક્લિયર સાઈટ્સ તથા સેન્ટ્રીફ્યુઝ સંયંત્રો, કડક અંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ રાખવી. ઇરાને તેનો બેલાસ્ટિક-મિસાઈલ કાર્યક્રમ મર્યાદિત રાખવો. * ઇરાને, હીઝબુલ્લાહ, હમાસ અને હુથી જેવા પ્રાદેશિક પ્રોક્સી જૂથોને સપોર્ટ આપવો બંધ કરવો.ઇરાને ટોલ સિસ્ટમ તથા અન્ય નિયંત્રણો હોર્મુઝ ઉપરથી દૂર કરવા.ઇરાને યુદ્ધ ખર્ચ માટે માગેલું ખૂબ મોટું વળતર તથા તેની ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવાની માગણી અમેરિકાના ટોચના અધિકારીઓ અસ્વીકાર્ય ગણે છે.



