दुनिया

ભારત સાથે સંબંધો સુધારવા અમેરિકા મેદાનમાં, ઉપપ્રમુખ માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા | US Secy of State Marco Rubio Arrives in India High Stakes Quad & Defense Talks Begin




US Secy of State Marco Rubio Arrives in India: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પોતાના પહેલા સત્તાવાર ભારત પ્રવાસે શનિવારની વહેલી સવારે કોલકાતા આવી પહોંચ્યા છે. ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે આ ઉચ્ચ સ્તરીય યાત્રાની માહિતી આપી છે. રુબિયોની આ ભારત મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ યાત્રાથી છેલ્લા એક વર્ષમાં બંને દેશોના સંબંધોમાં આવેલી ખટાશ દૂર થવાની આશા છે. સાથે જ હિંદ-પ્રશાંત (ઇન્ડો-પેસિફિક) ક્ષેત્રની વ્યૂહનીતિના સંદર્ભમાં પણ આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો છે કારણ કે આ દરમિયાન ક્વાડ (Quad) વિદેશ મંત્રીઓની બહુપ્રતીક્ષિત બેઠક પણ યોજાશે, જેનાથી ક્વાડના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવશે.

પીએમ મોદી સાથે મુલાકાત અને મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા

અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, ‘વિદેશ મંત્રી માર્કો રુબિયો કોલકાતા પહોંચી ગયા છે. આ તેમની પ્રથમ ભારત યાત્રા છે. આજે (શનિવારે) અમે નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરીશું. આગામી થોડા દિવસોમાં વ્યાપાર, ટેક્નોલોજી, સંરક્ષણ, ક્વાડ અને અન્ય ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા અને તેને આગળ ધપાવવા માટે ઘણું બધું છે!’

છેલ્લા એક વર્ષથી સંબંધોમાં કેમ આવી હતી કડવાશ?

વ્યૂહનીતિ નિષ્ણાતોનું માનવું છે કે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ જો બાઇડનના કાર્યકાળમાં ભારત-અમેરિકાના સંબંધો બગડવાનો જે દોર શરૂ થયો હતો, તે ટ્રમ્પ શાસનમાં પણ અટક્યો ન હતો. જોકે, ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ પીએમ મોદી એવા પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ હતા જેમને અમેરિકા આવવાનું આમંત્રણ મળ્યું હતું અને ગત વર્ષે ફેબ્રુઆરીમાં મોદીએ અમેરિકાની યાત્રા પણ કરી હતી. ત્યારે એવું લાગ્યું કે સંબંધો સુધરી રહ્યા છે, પરંતુ તે પછી ઘણી એવી ઘટનાઓ બની જેનાથી કડવાશ વધી. 

વાસ્તવમાં, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પ્રમુખ ટ્રમ્પ દ્વારા યુદ્ધ રોકવાનો શ્રેય લેવાના કારણે ભારતને સ્થાનિક રાજકારણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરને ટ્રમ્પ દ્વારા બિનજરૂરી સન્માન અપાતા ભારત અસહજ થયું હતું. આ સિવાય, અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના કારણે કડવાશ વધુ વધી ગઈ હતી.

આ પણ વાંચો: ‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો

ક્વાડ (Quad)ની સક્રિયતા અંગે અટકળોનો અંત

આ તમામ વિવાદો વચ્ચે ક્વાડ સંગઠન નિષ્ક્રિય થઈ ગયું હોવાની અટકળો ચાલી રહી હતી. ભારત પાસે ક્વાડની અધ્યક્ષતા હતી અને વર્ષ 2025માં જ ક્વાડ શિખર સંમેલન ભારતમાં યોજાવાનું હતું, પરંતુ પ્રમુખ ટ્રમ્પે રસ ન દાખવતા આ બેઠક યોજાઈ શકી ન હતી. હવે વિદેશ મંત્રીઓની બેઠક પણ મોડી થઈ રહી છે. આનાથી ભારતને પણ એવું લાગી રહ્યું હતું કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની આક્રમકતા સામે અમેરિકાની વ્યૂહનીતિ બદલાઈ રહી છે. જોકે, હવે આ બેઠક નક્કી થતાં માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા ક્વાડને લઈને ગંભીર છે.

આતંકવાદ અને સંરક્ષણ કરારો પર ભારતનું મજબૂત વલણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આ ઉચ્ચ સ્તરીય બેઠકને માત્ર ઓઇલ ખરીદી સુધી જ સીમિત રાખવાના પક્ષમાં નથી. ક્વાડ બેઠકની સક્રિયતા ઉપરાંત, ભારત સરહદ પારના આતંકવાદ પર અમેરિકા પાસે સહયોગ માંગશે. આ સાથે જ, સંરક્ષણ સામગ્રીના ભાગરૂપે ‘જીઈ એન્જિન’ (GE Engines)ની વહેલી તકે સપ્લાય કરવા અને બંને દેશો વચ્ચેના ફાયદાકારક વ્યાપારી કરારોને વહેલી તકે આખરી ઓપ આપવા માટે પણ ભારત દબાણ કરશે.

ભૂતકાળ ભૂલીને નવી શરૂઆત: અમેરિકા ગમે તેટલું ઓઇલ આપવા તૈયાર

સૂત્રોનું કહેવું છે કે રુબિયોની આ યાત્રાથી જૂની વાતોને ભૂલીને એક નવી શરૂઆત થશે. ભારત રવાના થતાં પહેલાં રુબિયોએ જણાવ્યું હતું કે તેઓ ભારતની તમામ ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છે. તેમનો ઈશારો ક્રૂડ ઓઇલ તરફ હતો. તેમણે ત્યાં સુધી કહ્યું કે ભારત જેટલું ઓઇલ ઈચ્છશે તેટલું અમેરિકા આપશે. 

આ પણ વાંચો: ‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ

જો આ વાત પર સહમતિ બનશે તો આગામી દિવસોમાં વેનેઝુએલાના કાર્યવાહક પ્રમુખ પણ ભારત આવી શકે છે, કારણ કે અમેરિકા વેનેઝુએલાનું ઓઇલ જ ભારતને પૂરું પાડશે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ઓઇલની ખરીદી એ વાત પર નિર્ભર રહેશે કે તે કયા ભાવે મળે છે. જો રશિયાની જેમ જ અમેરિકા પણ સસ્તા દરે ઓઇલ આપશે, તો તે ચોક્કસપણે ભારતના હિતમાં રહેશે.



Source link

Related Articles

Back to top button