दुनिया

‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરતું પાકિસ્તાન અમને જ્ઞાન ન આપે..’ UN માં ભારતે તતડાવ્યું | India Slams Pakistan at UNSC Harish Parvathaneni Exposes



India Slams Pakistan at UNSC : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર આંતરરાષ્ટ્રીય સ્તરે જોરદાર લપડાક લગાવી છે. જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પાકિસ્તાનને ભારતીય રાજદ્વારીએ અરીસો બતાવ્યો છે. 

ભારતીય રાજદ્વારી હરીશ પર્વતનેનીનો જડબાતોડ જવાબ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં એક ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર કાશ્મીર રાગ આલાપીને ભારત પર કટાક્ષ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને વરિષ્ઠ રાજદ્વારી હરીશ પર્વતનેનીએ પાકિસ્તાનનો ઘોર પરાજય કરતા તેને આકરી શિખામણ આપી છે. ભારતે બેતૂક શબ્દોમાં સંભળાવી દીધું છે કે, જે દેશનો પોતાનો ઈતિહાસ નરસંહારના કાળા કારનામાઓથી ખરડાયેલો છે, તે માનવાધિકારના નામે ભારતની આંતરિક બાબતો પર બોલે તે સૌથી મોટો મજાક છે.

અફઘાનિસ્તાન પરના પાકિસ્તાની હવાઈ હુમલાનો પર્દાફાશ

ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનની સેના દ્વારા તાજેતરમાં જ આચરવામાં આવેલી ક્રૂરતાનો કાચો ચિઠ્ઠો આખી દુનિયા સામે ખોલી દીધો હતો. તેમણે આ વર્ષે માર્ચ મહિનામાં (ચાલુ 2026ના વર્ષમાં) પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા ઘાતક હવાઈ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પર્વતનેનીએ જણાવ્યું કે, “દુનિયા એ ભૂલી નથી કે પવિત્ર રમઝાન મહિનામાં, જ્યારે ચારેય તરફ શાંતિ અને દયાનો માહોલ હોય છે, ત્યારે પાકિસ્તાની સેનાએ કાબુલની ‘ઓમિદ નશામુક્તિ સારવાર હોસ્પિટલ’ પર બર્બરતાપૂર્વક હવાઈ હુમલો કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNAMA) ના સત્તાવાર આંકડા અનુસાર, આ હુમલામાં 269 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને 122 લોકો ઘાયલ થયા હતા. લોકો જ્યારે નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અંધારામાં પાકિસ્તાને આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું.” આ હુમલાના કારણે અત્યાર સુધીમાં 94000 થી વધુ અફઘાન નાગરિકો વિસ્થાપિત થયા છે.

1971 ની બર્બરતા અને બંગાળી મહિલાઓ પર અત્યાચાર

ભારતે પાકિસ્તાનને તેની જ સેના દ્વારા પોતાના નાગરિકો પર ગુજારવામાં આવેલા જુલમનો ઈતિહાસ પણ યાદ અપાવ્યો હતો. ભારતીય રાજદ્વારીએ 1971 ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાની આર્મી દ્વારા ચલાવવામાં આવેલા કાળમુખા ‘ઓપરેશન સર્ચલાઈટ’ નો ઉલ્લેખ કરીને વૈશ્વિક મંચ ગજવ્યો હતો. તેમણે કહ્યું કે આ એ જ પાકિસ્તાન છે જેણે પોતાની જ સત્તા હેઠળ લાખો નિર્દોષ લોકોનો કતલેઆમ કર્યો હતો અને લાખો મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. જે દેશ પોતાના જ નાગરિકો પર બોમ્બ અને ટેન્કો ચલાવતો આવ્યો હોય, તેના મોઢે માનવાધિકારની વાતો જરાય શોભતી નથી.

આંતરિક નિષ્ફળતા છુપાવવા આતંકવાદનો સહારો

ભારતે UNSC માં સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન છેલ્લા કેટલાય દાયકાઓથી પોતાની આંતરિક નાદારી, રાજકીય અસ્થિરતા અને આર્થિક નિષ્ફળતાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે સરહદની અંદર અને બહાર આતંકવાદ અને હિંસાનો સહારો લેતું આવ્યું છે. રાજદ્વારી પર્વતનેનીએ અંતમાં સણસણતો ટોણો મારતા કહ્યું કે, “જે દેશ પાસે ન તો કોઈ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે સન્માન છે, ન કોઈ નૈતિકતા છે, તેની આવી ખોખલી નિવેદનબાજી અને પ્રોપેગેન્ડાને હવે આખી દુનિયા ખૂબ સારી રીતે સમજી ચૂકી છે.”



Source link

Related Articles

Back to top button