ટ્રમ્પની નવી ધમકી: “શુક્રવાર કે વીકએન્ડ પર ઈરાન પર થશે નવો હુમલો”, નિષ્ણાતોએ કહ્યું – ‘ખોખલી બયાનબાજી’ | Trump Threatens New Strikes on Iran This Weekend Experts Call it ‘Hot Air’

![]()
Donald Trump Threat To Iran : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી એકવાર સૈન્ય હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી છે, જેના કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી એકવાર મોરચો ખોલતા આગામી દિવસોમાં મોટા સૈન્ય હુમલા (Airstrikes) કરવાની જાહેરાત કરી છે.
ક્યારે થઇ શકે છે હુમલો?
બુધવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “હું આશા રાખું છું કે અમારે યુદ્ધની જરૂર ન પડે, પરંતુ ઈરાનને વધુ એક મોટો ઝટકો આપવો પડી શકે છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ નવો હુમલો ક્યારે થશે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આગામી બે-ત્રણ દિવસમાં એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં એક મર્યાદિત સમય માટે આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
બદલાતા વલણથી ખાડી દેશો સાથે વિવાદ
નોંધનીય છે કે ટ્રમ્પનું આ નિવેદન તેમના અગાઉના દબદબાથી તદ્દન વિપરીત છે. મંગળવારે જ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે યુએઈ (UAE) જેવા ખાડી દેશોની વિનંતી અને આગ્રહના કારણે તેઓ હાલ પૂરતો ઈરાન પરનો હુમલો ટાળી રહ્યા છે. જો કે, ખાડી દેશોએ સત્તાવાર રીતે ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેમણે આવી કોઈ વિનંતી કરી નથી. આ આંતરરાષ્ટ્રીય ફજેતીના બરાબર એક દિવસ બાદ જ ટ્રમ્પે ફરી યુદ્ધનું રણશિંગું ફૂંક્યું છે. યુદ્ધવિરામ લાગુ થયા બાદથી ટ્રમ્પ અવારનવાર આવી ધમકીઓ આપી ચૂક્યા છે, પરંતુ ઈરાન પણ નમવા તૈયાર નથી.
નિષ્ણાતો કેમ ગણાવી રહ્યા છે ‘ખોખલી બયાનબાજી’?
વ્યૂહાત્મક અને આર્થિક વિશ્લેષકો ટ્રમ્પની આ નવી ધમકીને ગંભીરતાથી લેવા તૈયાર નથી અને તેને માત્ર ‘હૉટ એર’ (માહોલ બનાવવા માટેની ખોખલી વાતો) ગણાવી રહ્યા છે. એસઈબી એબી (SEB AB) ના ચીફ કોમોડિટી એનાલિસ્ટ બ્યાર્ન શિએલ્ડ્રૉપે જણાવ્યું કે, “શરૂઆતમાં ટ્રમ્પના આવા નિવેદનોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવોમાં ભારે ઉથલપાથલ થતી હતી. પરંતુ વારંવાર ધમકીઓ આપીને પાછા હટી જવાની તેમની આદતને હવે બજાર સમજી ચૂક્યું છે. જ્યાં સુધી જમીન પર કોઈ વાસ્તવિક એક્શન નહીં થાય, ત્યાં સુધી આ મૌખિક ચેતવણીઓની અસર ઓછી થતી જશે.” હાલ બંને પક્ષો પોતાની જૂની શરતો પર અડેલા છે.
પુતિન અને જિનપિંગ વચ્ચે મહામંથન
આ વૈશ્વિક મહાસંકટ વચ્ચે સત્તાના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન મંગળવારે બે દિવસના સત્તાવાર પ્રવાસે ચીન પહોંચ્યા છે. પુતિન ત્યાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજવાના છે, જેમાં મુખ્ય એજન્ડા ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયાના તણાવને રોકવાનો રહેશે. મહત્વનું છે કે ચીની પ્રમુખ જિનપિંગે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી હતી, જેથી આ બેઠક વૈશ્વિક શાંતિ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.



