‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ | pm modi italy visit 2026 giorgia meloni rome meeting melodi selfie viral defense ai

PM Modi Italy Visit 2026: પીએમ મોદી પોતાના પાંચ દેશોના મહત્ત્વના યુરોપીય પ્રવાસના અંતિમ ચરણમાં મંગળવાર સાંજે ઇટાલી પહોંચી ગયા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇટાલીના વડાંપ્રધાન જૉર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર યોજાયેલો આ પ્રવાસ બંને દેશોની વ્યૂહનીતિ અને કૂટનીતિક સંબંધો માટે અત્યંત ખાસ છે, કારણ કે પીએમ મોદીની આ પ્રથમ સત્તાવાર ઇટાલીની દ્વિપક્ષીય યાત્રા છે. રોમ પહોંચતાની સાથે જ પીએમ જૉર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથે એક શાનદાર સેલ્ફી શેર કરી હતી. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘રોમમાં તમારું સ્વાગત છે, મારા મિત્ર!’ અને જોતજોતામાં આ તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ છે.
રોમમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
આ પ્રથમ વખત નથી જ્યારે આ બંને નેતાઓની સેલ્ફી વાઇરલ થઈ હોય. આ પહેલાં વર્ષ 2023માં દુબઈમાં યોજાયેલી COP28 સમિટ દરમિયાન મેલોનીની ‘Good friends at COP28’ વાળી સેલ્ફી અને ત્યારબાદ વર્ષ 2024માં ઇટાલીના અપુલિયામાં આયોજિત G7 શિખર સંમેલન દરમિયાન ‘મેલોડી ટીમ તરફથી હેલો’ વાળા વીડિયોએ વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. આ વખતે ઇટાલીમાં હોટેલ પહોંચવા પર પ્રવાસી ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું, જ્યારે આ અગાઉ વડાપ્રધાનને વારાણસીના ઘાટ દર્શાવતી એક સુંદર પેઇન્ટિંગ ભેટમાં આપવામાં આવી હતી.
પીએમ મોદીનો ઇટાલી પ્રવાસ કેમ છે ખાસ? જાણો કૂટનીતિક એજન્ડા
વ્યૂહનીતિ અને કૂટનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વના ગણાતા આ પ્રવાસ દરમિયાન, પીએમ મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મટારેલા સાથે મુલાકાત કરશે અને પીએમ જૉર્જિયા મેલોની સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરશે. આ ઉપરાંત, તેઓ બંને દેશોના દિગ્ગજ ઉદ્યોગપતિઓ (CEOs) સાથે સંવાદ સાધશે. વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવવા માટે તેઓ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ના મુખ્ય મથકની પણ મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રાલય (MEA)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 પછી બંને વડાપ્રધાનો વચ્ચેની આ 8મી મુલાકાત છે, જે ભારત અને ઇટાલી વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોની સ્પષ્ટ સાક્ષી પૂરે છે.
સુરક્ષા અને ડિફેન્સ ક્ષેત્રે મોટો કરાર
માર્ચ 2023માં મેલોનીની ભારત યાત્રા અને જી-20 શિખર સંમેલનમાં તેમની ભાગીદારીએ આ દોસ્તીનો પાયો નાખ્યો હતો. હવે આ પ્રવાસ દ્વારા બંને દેશો ‘સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29’ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને સંરક્ષણ, આતંકવાદ સામે ફંડિંગ રોકવા તથા નવા ક્ષેત્રોમાં સહયોગના રોડમેપને આખરી ઓપ આપશે. પીએમ મોદીએ પોતે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, આ પ્રવાસમાં ભારત અને ઇટાલી વચ્ચેના સહયોગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેમાં ‘ઇન્ડિયા-મિડિલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર’ (IMEC) પર ખાસ ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: મેટા 10 ટકા કર્મચારીની છટણી કરશે, 7000ને નવી એઆઈ ભૂમિકા સોંપશે
₹1.3 લાખ કરોડનો વેપાર અને વર્ષ 2029 સુધીનો મોટો ટાર્ગેટ
યુરોપીય સંઘ (EU)માં ઇટાલી હાલમાં ભારતનું ચોથું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર બનીને ઉભર્યું છે. વર્ષ 2025માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 14.25 બિલિયન યુરો (આશરે ₹1.3 લાખ કરોડ) સુધી પહોંચી ગયો છે. હવે બંને દેશોએ વર્ષ 2029 સુધીમાં તેને વધારીને 20 બિલિયન યુરો સુધી પહોંચાડવાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. ઇટાલીની કંપનીઓએ ભારતમાં 3.66 બિલિયન ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે, તો સામે પક્ષે ‘ટાટા મોટર્સ’ દ્વારા ઇટાલીના ‘ઇવેકો ગ્રુપ’ (Iveco Group)નું અધિગ્રહણ કરાયા બાદ ભારતીય કંપનીઓનો ઉત્સાહ પણ યુરોપમાં વધ્યો છે.
ડિફેન્સ, AI, આતંકવાદ સામે લડત
– સંરક્ષણ અને સુરક્ષા: ભારત અને ઇટાલી હવે લશ્કરી સાધનોના સહ-વિકાસ અને સહ-ઉત્પાદન તરફ આગળ વધી રહ્યા છે. તાજેતરમાં ઇટાલીના સંરક્ષણ મંત્રી ગુઇડો ક્રોસેટોએ પણ ભારતની મુલાકાત લીધી હતી.
– અત્યાધુનિક ટેકનોલોજી અને AI: ક્વોન્ટમ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્રીન હાઇડ્રોજન અને ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ‘સહયોગ કાર્યક્રમ 2025-27’ હેઠળ અનેક સંયુક્ત પ્રોજેક્ટ્સ પર મહોર વાગશે. આ પ્રવાસમાં ઇટાલીના ‘એલ્ગોર-એથિક્સ’ મોડેલ અને ભારતના ‘હ્યુમન સેન્ટ્રિક એઆઈ’ અભિગમને સાથે લાવવા કરાર કરાયા છે.
– આતંકવાદી ફંડિંગ પર રોક: નવેમ્બર 2025માં જોહાનિસબર્ગ જી-20 સમિટ દરમિયાન બંને દેશોએ ‘ઇન્ડિયા-ઇટાલી જોઈન્ટ ઇનિશિયેટિવ ટુ કાઉન્ટર ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ’ લોન્ચ કર્યું હતું. દિલ્હીમાં થયેલા હાઇ-પ્રોફાઇલ આતંકવાદી હુમલા બાદ મેલોનીએ ભારત પ્રત્યે મજબૂત એકજૂથતા દર્શાવી હતી. આ અંતર્ગત ગેરકાયદેસર ફંડિંગ રોકવા અને FATF જેવા મંચો પર પરસ્પર તાલમેલ વધારવા સંમતિ સધાઈ છે.
– ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓ: ઇટાલીમાં આશરે 1.87 લાખથી 2.5 લાખ ભારતીયો વસે છે, જે યુરોપીય સંઘમાં સૌથી મોટું પ્રવાસી ભારતીય જૂથ છે. ‘માઇગ્રેશન એન્ડ મોબિલિટી એગ્રીમેન્ટ’ દ્વારા ભારતીય નાગરિકો અને હાલમાં અભ્યાસ કરતા 5100થી વધુ વિદ્યાર્થીઓ માટે ઇટાલીના રસ્તા સરળ બની રહ્યા છે.
– ઇન્ડો-મેડિટેરેનિયન કોરિડોર: મે 2026ની આ ઐતિહાસિક મુલાકાતમાં ‘ઇન્ડો-મેડિટેરેનિયન કોરિડોર’ની વિભાવનાને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે હિંદ મહાસાગરથી યુરોપ સુધીના દરિયાઈ વેપાર અને વ્યૂહાત્મક કનેક્ટિવિટીને નવો વેગ આપશે. આ ઉપરાંત ઇટાલી ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)માં પણ વિશેષ દૂત નિયુક્ત કરીને સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

બાલીથી રોમ સુધી: કેવી રીતે બદલાયા ભારત-ઇટાલીના સંબંધો?
ક્યારેક માત્ર મર્યાદિત વેપાર સુધી સીમિત રહેલા ભારત-ઇટાલીના સંબંધો આજે સંરક્ષણ, સ્પેસ ટેકનોલોજી અને ગ્લોબલ સપ્લાય ચેન જેવા મોટા વ્યૂહાત્મક મુદ્દાઓ પર પહોંચી ગયા છે. આ નવી ભાગીદારીની શરૂઆત નવેમ્બર 2022માં ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી G20 સમિટથી થઈ હતી, જ્યાં પીએમ મોદી અને નવા ચૂંટાયેલા પીએમ મેલોની વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યારબાદ માર્ચ 2023માં મેલોની ભારતના ‘રાયસીના ડાયલોગ’માં ચીફ ગેસ્ટ બન્યા અને સંબંધોને સત્તાવાર રીતે ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’નો દરજ્જો મળ્યો.
સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હી G20માં ઇટાલી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC)નો હિસ્સો બન્યું. જૂન 2024માં ઇટાલીના G7 સંમેલનમાં ક્રિટિકલ મિનરલ્સ અને પેટન્ટ-ડિઝાઇનના કરારો થયા અને નવેમ્બર 2024માં બ્રાઝિલમાં 5 વર્ષનો જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન (2025-2029) લોન્ચ કરાયો હતો. નિષ્ણાતોના મતે, આ વધતી નિકટતા વૈશ્વિક રાજનીતિમાં મોટો બદલાવ લાવશે, જ્યાં ભારત યુરોપમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને ઇટાલી એશિયામાં ભારતને સૌથી ભરોસાપાત્ર ભાગીદાર માને છે.



