સહી કરવામાં ભુલ પડી હશે તો પણ H1-B વીઝાની અરજી રિજેક્ટ થશે | Even if there is a mistake in signing the H1 B visa application will be rejected

![]()
– અમેરિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયો ઉપર વધુ એક તવાઈ
– ગ્રીન કાર્ડ લેવાની અરજીમાં સહીમાં ડખો જણાશે તો રિજેક્શન આવશે, ડિજિટલ સિગ્નેચર પણ ચલાવી લેવામાં આવશે નહીં
અમેરિકાએ પહેલેથી જ H1-Bવીઝા અંગે જાતભાતના નિયમો બનાવ્યા છે અને ભારતીયોનો ધસારો રોકવા ગતકડાં કરવામાં આવ્યા છે ત્યાં વધુ એક આકરો નિયમ સામે આવ્યો છે. તાજેતરમાં અમેરિકાના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, જે લોકોને H1-B વીઝા અને ગ્રીન કાર્ડ લેવા માટે અરજી કરવાની હશે તેમણે સહી કરવામાં વિશેષ કાળજી રાખવી પડશે. ડોક્યુમેન્ટની તપાસ દરમિયાન અધિકારીને જો અરજદારની સહી અયોગ્ય લાગશે, ખોટી લાગશે કે અધુરી લાગશે તો અરજી રદ કરવામાં આવશે. આ સિવાય તાત્કાલિક ફરીથી અરજી પણ કરવા દેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હજારો ભારતીયો દર વર્ષએ H1-Bવીઝા થકી જતા હોય છે અને રીન્યૂ પણ કરાવતા હોય છે. આ ઉપરાંત હજારો ભારતીયો ગ્રીન કાર્ડની પણ રાહ જોઈ રહ્યા હોય છે. આ સંજોગોમાં સહી કરવામાં નાનકડી ગફલત પણ થશે તો અરજી ફગાવી દેવાશે. ભારતીયો માટે આ મોટા ઝાટકા સમાન છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા આ નિયમને ફેડરલ રજિસ્ટરમાં જારી કરી દેવાયો છે. તેના હેઠળ યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝના અધિકારો વધી ગયા છે.
ખાસ કરીને ડોક્યુમેન્ટના વેરિફિકેશનમાં હવે સિગ્નેચરમાં પણ શંકા જશે તો અરજી ફગાવી દેવાની સત્તા આપવામાં આવી છે. હાલમાં લોકો પાસેથી આ અંગે અભિપ્રાય માગવામાં આવ્યા છે અને પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તેના પરિણામો જોયા બાદ ૧૦ જુલાઈ ૨૦૨૬થી તેને લાગુ કરી દેવામાં આવશે.
બીજી તરફ યુુએસસીઆઈએસનું કહેવું છે કે, આ નિયમ પહેલાં લાગુ જ હતો. તેને અલગ અલગ રીતે લાગુ કરાયો હતો. તેનું અમલીકરણ થતું હતું પણ તેમાં થોડી નરમાશ દાખવવામાં આવતી હતી. હવે આ નિયમને આકરો બનાવી દેવાયો છે અને તેના અમલીકરણને પણ કડક કરી દેવાયું છે. મોટાભાગે અરજદારોને ખ્યાલ નહોતો કે યુએસસીઆઈએસના અધિકારીઓ કેવી રીતે આવી અરજીઓનું કામ પાર પાડતા હતા. હવે લોકોને અને અધિકારીઓને તેના વિશે સ્પષ્ટતા કરી દેવાઈ છે.
હાથથી કરેલી સહી જ યોગ્ય અને માન્ય ગણવામાં આવશે
– હાથથી કરેલી સહી જ યોગ્ય માનવામાં આવશે. તેને જ માન્ય ગણવામાં આવશે.
– પેન દ્વારા કાગળ ઉપર કરેલી સહીની સ્કેન કોપનો પણ અરજી દરમિયાન સ્વીકાર કરવામાં આવશે.
– ઓરિજિનલ સાઈન કરેલા ડોક્યુમેન્ટ્સની ફેક્સ કોપી કે પછી ફોટોકોપીનો સ્વીકાર કરવામાં આવશે.
– કેટલાક કિસ્સામાં યુએસસીઆઈએસ દ્વારા માન્ય કરવામાં આવેલી ઈલેક્ટ્રોનિક સિગ્નેચર સ્વીકારવામાં આવશે.
– કોપી-પેસ્ટ ડિજિટલ સિગ્નેચર ચલાવી લેવાશે નહીં.
– ડિજિટલ સિગ્નેચર અને સ્ટેમ્પનો પણ સ્વીકાર કરવામાં આવશે નહીં.
– અરજદારના બદલે કોઈના દ્વારા પણ કરાતી સહી સ્વીકારાશે નહીં. વકીલને પણ સહી કરવાની સત્તા અપાશે નહીં.
– ઓટોજનરેટેડ સિગ્નેચર કે કોઈ એપ અથવા સોફ્ટવેર દ્વારા બનાવેલી સિગ્નેચર પણ માન્ય ગણાશે નહીં.


