दुनिया

ન્યુક્લિયર પ્લાન્ટ પર ડ્રોન એટેકથી મિડલ ઈસ્ટમાં ફફડાટ: અબુ ધાબીની પરમાણુ સુવિધા પાસે આગ | uae barakah nuclear power plant drone strike abu dhabi




Barakah Nuclear Power Plant Drone Strike: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આગ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) સુધી પહોંચી ગઈ છે. રવિવારે UAE ના અલ ધાફરા (Al Dhafra) વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની (Barakah Nuclear Power Plant) બહાર એક શંકાસ્પદ ડ્રોન હુમલો થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. અબુ ધાબીના સ્થાનિક મીડિયા અનુસાર આ હુમલો પ્લાન્ટના અંદરના ભાગની બહાર આવેલા એક ઇલેક્ટ્રિકલ જનરેટર પર થયો હતો.

જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પ્લાન્ટના તમામ મુખ્ય સિસ્ટમ્સ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે, રેડિયેશનનું કોઈ જોખમ નથી અને સુરક્ષાના તમામ સ્તરો સંપૂર્ણ સલામત છે.

હુમલા પાછળ કોનો હાથ? સત્તાવાર ખુલાસો નહીં

UAE સરકારે આ હુમલા માટે સત્તાવાર રીતે કોઈ દેશ કે સંગઠનનું નામ લીધું નથી. પરંતુ, ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વર્તમાન યુદ્ધ દરમિયાન અગાઉ પણ UAE ના ઉર્જા પ્લાન્ટ્સ અને સમુદ્રી માર્ગો પર ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ ચૂક્યા છે, જેની પાછળ ઈરાનનો હાથ હોવાનું માનવામાં આવતું હતું. ચાર રિએક્ટર ધરાવતા આ પરમાણુ પ્લાન્ટ પર યુદ્ધ શરૂ થયા પછીનો આ પ્રથમ હુમલો છે.

બરાકાહ પ્લાન્ટ શા માટે મહત્વનો છે?

દક્ષિણ કોરિયાના સહયોગથી તૈયાર થયેલો આ પરમાણુ પ્લાન્ટ આશરે 20 અબજ ડોલરના (રૂ. 1.6 લાખ કરોડથી વધુ) ખર્ચે બન્યો છે અને વર્ષ 2020 થી કાર્યરત છે. એસોસિએટેડ પ્રેસના (AP) અહેવાલ મુજબ, સમગ્ર અરબ દ્વીપકલ્પમાં (Arabian Peninsula) આ પ્રથમ અને એકમાત્ર કાર્યરત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. તે સાઉદી અરેબિયાની સરહદ નજીક અબુ ધાબીના પશ્ચિમી રણ વિસ્તારમાં આવેલો છે. યુક્રેન યુદ્ધ બાદ હવે મધ્ય-પૂર્વમાં પણ ન્યુક્લિયર પ્લાન્ટ્સ યુદ્ધની ઝપટે ચડી રહ્યાં છે. જે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ

UAE એ તેલ નિકાસ માટે શોધ્યો નવો રસ્તો

આ ડ્રોન હુમલો એવા સમયે થયો છે જ્યારે UAE વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય ચાલુ રાખવા માટે એક મોટા અને વૈકલ્પિક પ્રોજેક્ટ પર રાત-દિવસ કામ કરી રહ્યું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા સરકારી ઓઇલ કંપની ADNOC ને એક નવી પાઇપલાઇનનું કામ યુદ્ધના ધોરણે ઝડપી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો સમુદ્રી માર્ગ સત્તાવાર રીતે બંધ કરી દીધો છે, જ્યાંથી દુનિયાનો 20% તેલ અને ગેસનો વેપાર થતો હતો. ફુજૈરાહ (Fujairah) થઈને નીકળનારી આ નવી પાઇપલાઇન આવતા વર્ષથી શરૂ થઈ જશે, જેનાથી UAE ઈરાનના દરિયાઈ માર્ગ પર નિર્ભર રહ્યા વગર પોતાની તેલ નિકાસ ક્ષમતા સીધી બમણી કરી શકશે.

ઈતિહાસની સૌથી મોટી તેલ કટોકટી અને યુદ્ધની સ્થિતિ

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ગત 28 ફેબ્રુઆરીએ ઈરાન પર કરાયેલા હુમલા બાદ ઈરાને સમુદ્રી માર્ગો બ્લોક કરી દીધા છે. આના કારણે દુનિયાના ઈતિહાસની સૌથી મોટી ઓઈલ સપ્લાય કટોકટી સર્જાઈ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવો આસમાને પહોંચી ગયા છે. ગયા અઠવાડિયે અમેરિકા અને ઈરાન બંનેએ એકબીજાના શાંતિ પ્રસ્તાવો ફગાવી દેતા હાલમાં આ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.



Source link

Related Articles

Back to top button