આફ્રિકાના જંગલોમાં અમેરિકન સેનાનું સ્પેશિયલ ઓપરેશન! ISનો ગ્લોબલ કમાન્ડર ઠાર | US Nigeria Eliminate ISIS Global Deputy Commander Abu Bilal al Minuki in Joint Operation

![]()
Abu Bilal al Minuki Killed: વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે દુનિયાભરમાં ISISના બીજા ક્રમના સૌથી શક્તિશાળી કમાન્ડર અબુ-બિલાલ અલ-મિનુકી (Abu-Bilal al-Minuki)ને એક સંયુક્ત સૈન્ય ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો છે. અમેરિકા અને નાઇજીરીયાના સૈન્ય દળોએ સાથે મળીને આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું, જેને આતંકવાદ સામેની લડાઈમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી માહિતી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર આ સફળ મિશનની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આ જટિલ મિશન તેમના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે લખ્યું, ‘મારી સૂચનાથી, બહાદુર અમેરિકન સૈનિકો અને નાઇજીરીયાના સશસ્ત્ર દળોએ સાથે મળીને અત્યંત ઝીણવટપૂર્વક આયોજન કરીને દુનિયાના સૌથી સક્રિય આતંકવાદીને યુદ્ધના મેદાનમાંથી ખતમ કરવાનું મુશ્કેલ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે.’
આફ્રિકામાં છુપાયેલો હતો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ISISનો બીજા નંબરનો મુખ્ય આતંકવાદી અબુ-બિલાલ અલ-મિનુકી આફ્રિકામાં છુપાઈ જશે તેવું વિચારતો હતો. પરંતુ અમારા ગુપ્ત સ્ત્રોતો તેની દરેક હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. આ સફળ ઓપરેશન બાદ હવે તે આફ્રિકાના લોકોને ડરાવી નહીં શકે કે અમેરિકા પર હુમલાનું કોઈ પ્લાનિંગ પણ નહીં કરી શકે. તેના ખાતમાથી દુનિયાભરમાં ફેલાયેલું ISISનું આતંકવાદી નેટવર્ક હવે સાવ નબળું પડી ગયું છે. આ મિશનમાં મળેલા શાનદાર સપોર્ટ બદલ પ્રમુખ ટ્રમ્પે નાઇજીરીયા સરકારનો આભાર પણ માન્યો હતો.
કોણ હતો અબુ-બિલાલ અલ-મિનુકી?
સંરક્ષણ અહેવાલો મુજબ, અબુ-બિલાલ અલ-મિનુકી આતંકવાદી સંગઠન ISISમાં ગ્લોબલ ડેપ્યુટી કમાન્ડર એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા નંબરનો સૌથી મોટો હોદ્દો ધરાવતો હતો. તે ‘અબુ બક્ર ઇબ્ન મુહમ્મદ ઇબ્ન અલી અલ-મૈનુકી’ તરીકે પણ ઓળખાતો હતો. આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા અને તેના માટે ફંડ ભેગું કરવાના ગુનામાં સંડોવાયેલો હોવાથી, વર્ષ 2023માં જ અમેરિકાના વિદેશ મંત્રાલયે એક્ઝિક્યુટિવ ઓર્ડર 13224 હેઠળ તેને બ્લેકલિસ્ટ કરીને તેના પર આકરા સૈન્ય અને આર્થિક પ્રતિબંધો લગાવી દીધા હતા.
આ પણ વાંચો: AI, પરમાણુ હથિયાર અને તાઈવાન… જિનપિંગ સાથેની બેઠકમાં શું નક્કી થયું? જાણો ટ્રમ્પનો જવાબ
આફ્રિકાના 12 દેશોમાં ફેલાયેલું હતું આતંકનું નેટવર્ક
એક રિપોર્ટ અનુસાર, આતંકવાદી અલ-મૈનુકી મુખ્યત્વે આફ્રિકાના ‘સાહેલ’ વિસ્તારમાં સક્રિય હતો, જે અંદાજે 12 દેશોમાં ફેલાયેલો છે. તે આફ્રિકામાં સક્રિય આતંકી સંગઠન ‘ISWAP’ના સિનિયર કમાન્ડર તરીકે કામ કરતો હતો અને લેક ચાડ વિસ્તારમાં થતા તમામ આતંકવાદી હુમલાઓનું હેન્ડલિંગ કરતો હતો. આખા આફ્રિકા ક્ષેત્રમાં ISISના તમામ ઓપરેશન્સની દેખરેખ તેની પાસે જ હતી, તેથી તેના મૃત્યુથી આ વિસ્તારમાં ISISના નેટવર્કને બહુ મોટો ઝટકો લાગ્યો છે.



