ટ્રમ્પે તાઈવાનની બલિ ચઢાવી? ચીનથી પાછા ફરતા જ સુર બદલાયા, હવે ઈસ્ટ એશિયામાં યુદ્ધના સંકેત | Trump Signals Halt on Taiwan Arms Sales After High Stakes Xi Jinping Summit

![]()
Trump Signals Halt on Taiwan Arms Sales : દુનિયાની રાજનીતિમાં વાદા અને વફાદારીની ઉંમર કેટલી ટૂંકી હોય છે, તેનો તાજો પુરાવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનથી મળ્યો છે. ચીનની ત્રણ દિવસની હાઈ-પ્રોફાઈલ મુલાકાત પૂરી કરીને એરફોર્સ વન વિમાનમાં પરત ફરી રહેલા ટ્રમ્પે પત્રકારો સમક્ષ જે વાતો કહી, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ગઈકાલ સુધી તાઈવાનની સુરક્ષાના સોગંદ ખાતા ટ્રમ્પ હવે આ મુદ્દે આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે.
હથિયારોની ડીલ પર બ્રેક અને ‘9500 માઇલ’ નો તર્ક
ટ્રમ્પ પ્રશાસને અગાઉ તાઈવાનને હથિયારો વેચવાની મંજૂરી આપી હતી, પરંતુ ચીનથી પરત ફરતા જ ટ્રમ્પે તેના પર બ્રેક લગાવી દીધી છે. પત્રકારોના સવાલ પર તેમણે કહ્યું કે, “મેં હજુ હથિયારોના વેચાણ પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી, હું આ બાબતે થોડું વિચારીશ.” એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું કે અમેરિકાને પોતાના ઘરથી 9,500 માઇલ દૂર કોઈ નવા યુદ્ધમાં કૂદવાની જરૂર નથી. ચીન આ સોદાનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યું હતું અને જિનપિંગે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તાઈવાન મામલે કોઈપણ ખોટું પગલું બંને દેશોના સંબંધો હંમેશા માટે બગાડી શકે છે.
જિનપિંગની ‘રેડ લાઇન’ અને ટ્રમ્પની ખામોશી
બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાન પર પોતાનું આક્રમક વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે ચીન તાઈવાનની આઝાદીનો વિરોધી છે અને તેને મેનલેન્ડ ચાઇના (ચીન સત્તાવાર નકશા) સાથે જોડવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરતા પણ અચકાશે નહીં. નવાઈની વાત એ છે કે જ્યારે જિનપિંગ તાઈવાનને પોતાની ‘રેડ લાઇન’ ગણાવી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પે તેનો કોઈ વિરોધ ન કર્યો. ટ્રમ્પે પોતે સ્વીકાર્યું કે, “મેં જિનપિંગની વાત સાંભળી, પરંતુ કોઈ ટિપ્પણી ન કરી.” જાણકારોના મતે, ટ્રમ્પ હાલમાં ટ્રેડ (વેપાર) અને ઈરાન જેવા મુદ્દાઓ પર ચીનનો સહયોગ ઈચ્છે છે, તેથી તેઓ તાઈવાન મુદ્દે ચીનને નારાજ કરવા નથી માંગતા.
તાઈવાનની પ્રતિક્રિયા
આ બદલાયેલા સમીકરણો વચ્ચે તાઈવાનના અધિકારીઓએ ખૂબ જ સધાયેલી પ્રતિક્રિયા આપી છે કે આ સમિટના પરિણામોમાં ‘કંઈ આશ્ચર્યજનક નથી’. જો કે, તેમણે ચીનને અપીલ કરી છે કે તે તાઈવાન આઇલેન્ડની આસપાસ સૈન્ય દબાણ બનાવવાનું બંધ કરે, કારણ કે ચીનની આ હિલચાલ આખા ક્ષેત્રની શાંતિ માટે મોટો ખતરો છે.



