Explainer : ટ્રમ્પ, મસ્ક અને કૂકે પર્સનલ ફોન કે લેપટોપ લીધા વિના જ બેજિંગ બેઠકમાં ગયા, જાણો શું છે કારણ | Donald Trump and Tech Leaders Enact Digital Lockdown During Sensitive Beijing Summit

![]()
Beijing Summit : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ચીનની મુલાકાત પૂર્ણ કરીને આજે 15 મે, 2026 ના રોજ ત્યાંથી રવાના થશે. જો કે, આ હાઈ-પ્રોફાઇલ સમિટમાં માત્ર મુત્સદ્દીગીરી જ નહીં, પણ પડદા પાછળ ચાલેલા ‘ડિજિટલ લોકડાઉન’ એ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ચીનની અદ્યતન દેખરેખ પ્રણાલી અને સાયબર જાસૂસીના ભય વચ્ચે ટ્રમ્પ અને તેમની સાથે આવેલા વિશ્વના દિગ્ગજ સીઈઓ એક અનોખા ‘સુરક્ષા કવચ’માં રહ્યા હતા. કેવું ડિજિટલ લોકડાઉન અને કેવું સુરક્ષા કવચ, ચાલો જાણીએ.
ચીનની ધરતી પર અમેરિકી પ્રતિનિધિમંડળનું ‘ડિજિટલ લોકડાઉન’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump), ટેસ્લા હેડ ઈલોન મસ્ક (Elon Musk), એપલ હેડ ટિમ કૂક (Tim Cook) અને એનવીડિયાના હેડ જેન્સન હુઆંગ (Jensen Huang) જેવા દિગ્ગજો હાલ ચીનની મુલાકાતે છે, જ્યાં તેમણે સૌથી મૂળભૂત જરૂરિયાત એવા ‘પર્સનલ સ્માર્ટફોન’ સાથે રાખવાનું ટાળ્યું હતું. આ કોઈ ટેક-ડિટોક્સ નહોતું, પરંતુ ચીનની શક્તિશાળી જાસૂસી પ્રણાલી સામે સુરક્ષા માટે અપનાવેલું ‘ડિજિટલ લોકડાઉન’ હતું.
‘ડિજિટલ લોકડાઉન’ એટલે સાયબર હુમલા કે જાસૂસીથી બચવા માટે ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જેવા ડિજિટલ સાધનોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો અથવા તેના પર કડક નિયંત્રણો લાદવા. આ પ્રક્રિયામાં સંવેદનશીલ ડેટાને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત ઉપકરણોને બદલે મર્યાદિત સુવિધાવાળા સુરક્ષિત ગેજેટ્સનો ઉપયોગ કરાય છે. આ જ કારણે અમેરિકાના આ હાઈ પ્રોફાઈલ ડેલિગેટ્સે ચીનમાં ‘છાશ પણ ફૂંકી ફૂંકીને પીધી’ હતી.
‘ક્લિન ડિવાઈસ’ અને ‘બર્નર ફોન’નો વ્યૂહ
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, ટ્રમ્પની ટીમ અને સેંકડો સહાયકોને કડક સૂચના અપાઈ હતી કે, તેઓ વ્યક્તિગત ઉપકરણો ચીન ન લાવે. તેના બદલે તેમને ‘ક્લિન ડિવાઈસ’ અથવા ‘બર્નર ફોન’ અપાયા હતા. આ એવા ફોન અને લેપટોપ હોય છે, જે ખાસ કરીને આવા જ કામ માટે ડિઝાઈન કરાયા હોય છે. તેમાં ડેટા ઓછામાં ઓછો હોય છે અને કામ પૂરૂં થયા પછી સુરક્ષા ટીમો આ ઉપકરણોની ‘ગોલ્ડન ઈમેજ’ (મૂળ સોફ્ટવેર સેટઅપ) સાથે તુલના કરે છે, જેથી જાણી શકાય કે કોઈ ફાઈલ કે સેટિંગ્સમાં ગુપ્ત રીતે છેડછાડ થઈ છે કે નહીં.
આ પણ વાંચો : ત્રણ મહાસત્તાઓ વચ્ચે અંદરખાને ભાગબટાઈ ! યુદ્ધ વિરામ અગાઉનો ગોઠવાતો તખ્તો !
ચાર્જિંગ સ્ટેશનથી પણ ‘જ્યુસ જેકિંગ’નો ખતરો
અમેરિકન સુરક્ષા એજન્સીઓએ અધિકારીઓને હોટલ કે જાહેર સ્થળોના USB ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી. સાયબર સુરક્ષાની ભાષામાં આને ‘જ્યુસ જેકિંગ’ કહેવામાં આવે છે. ‘જ્યુસ જેકિંગ’ એટલે જાહેર સ્થળે ચાર્જિંગ પોર્ટ (USB) દ્વારા મોબાઈલ કે લેપટોપ હેક કરી ડેટા ચોરવાની એક પદ્ધતિ. તેના થકી ગેજેટ્સમાં માલવેર ઘૂસાડી શકાય છે, જે તમારા ડેટાને કરપ્ટ કરી શકે. આથી જ ટ્રમ્પની ટીમ પોતાની સાથે એક્સટર્નલ બેટરી પેક અને ચાર્જિંગ એસેસરીઝ લઈને આવી હતી.
અમેરિકાને ચીનના ‘માસ સર્વેલન્સ’ સ્ટેટનો ડર
અમેરિકાના પૂર્વ સિક્રેટ સર્વિસ એજન્ટે જણાવ્યું હતું કે, ‘ચીન એક માસ સર્વેલન્સ સ્ટેટ છે. ત્યાં અધિકારીઓને સ્પષ્ટ કહેવાય છે કે તમારી દરેક હિલચાલ પર નજર રખાઈ રહી છે.’ યુએસ ગુપ્તચર એજન્સીઓ લાંબા સમયથી માને છે કે ચીનમાં જતી કોઈપણ ચીજવસ્તુ- પછી તે ફોન હોય, ટેબ્લેટ હોય કે હોટેલનું Wi-Fi- તેને ‘Compromised’ (ચેડાં થયેલું) જ ગણવું જોઈએ.
જો કે, ચીન જાસૂસીના આરોપોને હંમેશા નકારતું રહ્યું છે. ચીની દૂતાવાસના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે, ‘ચીન કાયદા અનુસાર ડેટા પ્રાઈવસીનું રક્ષણ કરે છે અને અમે ક્યારેય કોઈ સંસ્થાને ગેરકાયદે ડેટા એકત્રિત કરવા દબાણ કર્યું નથી.’
જાસૂસીને મામલે અમેરિકા પણ ઓછું નથી
જો કે, જાસૂસીના આક્ષેપો માત્ર ચીન પર જ નથી. 2013 માં એડવર્ડ સ્નોડેનના ખુલાસાથી સાબિત થયું હતું કે અમેરિકાની NSA (નેશનલ સિક્યુરિટી એજન્સી) એ પણ 35 દેશના નેતાઓના ખાનગી નંબરો ટ્રેક કર્યા હતા.
સુરક્ષા પ્રોટોકોલના મુખ્ય મુદ્દા કયા હોય છે?
ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન લેવાયેલી સાવચેતીના મુખ્ય પ્રોટોકોલ નીચે મુજબ છે.
- સર્વેઇલન્સ રિસ્ક: એન્ક્રિપ્ટેડ સંદેશામાં પણ હેકિંગનો ડર
- નો પર્સનલ વાઇ-ફાઇ: જાહેર અથવા હોટલ Wi-Fi નો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત.
- રૂબરૂ વાતચીત: સંવેદનશીલ ચર્ચા ડિજિટલ માધ્યમોને બદલે રૂબરૂ (Face-to-Face) કરાઈ.
- ડિવાઈસ ઓડિટ: પ્રવાસ પછી તમામ લેપટોપ અને ફોનનું ઊંડું સ્કેનિંગ.
નોંધનીય છે કે, 15 મે, 2026 ના રોજ ટ્રમ્પ ચીનમાંથી વિદાય લેશે, ત્યારે તેમની સાથે માત્ર રાજદ્વારી યાદો જ નહીં, પણ સુરક્ષિત રીતે સચવાયેલો સંવેદનશીલ ડેટા પણ હશે, જે આ ‘ડિજિટલ લોકડાઉન’ ને કારણે જ શક્ય બન્યો છે.
આ પણ વાંચો : ચીનના પ્રમુખ શી. જિનપિંગે મંત્રણા દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ધમકાવી નાખ્યા



