અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Kerala

![]()
સીએમ માટે 10 દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત
61 વર્ષીય સતીશને રાજ્યપાલને મળી સમર્થન કરનારા ધારાસભ્યોની યાદી સોંપી : સોમવારે શપથની શક્યતા
તિરુવનંતપુરમ: કોંગ્રેસે વી ડી સતીશનની કેરળનાં આગામી મુખ્યપ્રધાન તરીકે પસંદગી કરી છે. ૯ એપ્રિલે થયેલી વિધાનસભા ચૂંટણીમાં યુડીએફનાં વિજય પછી મુખ્યપ્રધાન પદ અંગે ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે.
કોંગ્રેસે જાહેરાત કરી છે કે ૬૧ વર્ષીય સતીશન કેરળનાં આગામી મુખ્યપ્રધાન બનશે. આ સાથે જ સતીશનનાં સમર્થકો અને કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને ઉજવણી કરવામાં આવી હતી.
એઆઇસીસી મહાસચિવ કે સી વેણુગોપાલ અને વરિષ્ઠ નેતા ચેન્નીથલા મુખ્યપ્રધાનની દોડમાં સામેલ અન્ય બે દાવેદાર હતાં. સતીશનની પસંદગીની જાહેરાત દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેરળ પ્રભારી દીપા દાસમુંશી, રાજ્ય માટે પક્ષનાં કેન્દ્રીય પર્યવેક્ષક અજય માકન અને મુકુલ વાસનિક અને કોંગ્રેસનાં સંચાર પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કરી હતી.
દાસમુંશીએ પત્રકારોને જણાવ્યું હતું કે તમામ ચર્ચાઓને અંતે વી ડી સતિશનને કોંગ્રેસ વિધાયક દળનાં નેતા પસંદ કરવામાં આવ્યા છે. આ જાહેરાત પછી કેરળમાં ધારાસભ્યોની બેઠક મળી હતી અને તેમાં પણ સતિશનને પોતાના નેતા તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સતીશન રાજ્યપાલને મળ્યા હતાં અને પોતાને સમર્થન આપનારા ધારાસભ્યોની યાદી રાજ્યપાલને સુપ્રત કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નવી સરકારનું શપથગ્રહણ સમારંભ સોમવારે યોજાવાની શક્યતા છે.


