ઈરાકને ખબર જ નહોતી કે તેના રણમાં એક ઈઝરાયલી સૈન્ય અડ્ડો છે, જાણો પછી શું થયું? | secret israeli military base discovered iraq desert iran war strategy

![]()
Secret Israeli Military Base in Iraq: ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ઇઝરાયલે ઇરાન પરના હુમલાઓને સરળ બનાવવા માટે ઇરાનના પડોશી દેશ ઇરાકના રણમાં એક ગુપ્ત સૈન્ય અડ્ડો સ્થાપ્યો હતો. ખાસ વાત એ છે કે, આ અંગે અમેરિકાને જાણ હતી, પરંતુ ઇરાકની સરકાર આ ઓપરેશનથી સાવ અજાણ હતી.
ભરવાડની સતર્કતાથી ખુલ્લું પડ્યું ઓપરેશન
ઇરાકના પશ્ચિમી રણના એક નિર્જન વિસ્તારમાં એક સ્થાનિક ભરવાડે હેલિકોપ્ટરોની નીચી ઉડાન અને અસામાન્ય સૈન્ય હિલચાલ જોઈ હતી. તેને અંદાજ પણ નહોતો કે, તે દુનિયાના સૌથી ખતરનાક ગુપ્ત મિશનમાંથી એકનો સાક્ષી બની રહ્યો છે. જ્યારે ઇરાકી સેના આ વિસ્તારની તપાસ કરવા પહોંચી, ત્યારે ઇઝરાયલે પોતાનો બેઝ બચાવવા માટે ઇરાકી સૈનિકો પર હવાઈ હુમલો કર્યો, જેમાં એક સૈનિકનું મોત થયું હતું.
ઇઝરાયલને ઇરાકમાં બેઝની જરૂર કેમ પડી?
તેલ અવીવથી ઇરાનનું અંતર લગભગ 1,000 માઇલ છે. આટલા લાંબા અંતરે સતત હવાઈ હુમલા કરવા પડકારજનક હતા. આ અંતર ઘટાડવા માટે ઇરાકનો આ ગુપ્ત બેઝ અત્યંત મહત્વનો સાબિત થયો હતો. આ અડ્ડો ઇઝરાયલી વાયુસેના માટે ઇંધણ અને અન્ય પુરવઠા માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. જો દુશ્મન ક્ષેત્રમાં કોઈ ઇઝરાયલી પાયલટનું વિમાન તોડી પાડવામાં આવે, તો અહીં તૈનાત સ્પેશિયલ ફોર્સ તાત્કાલિક બચાવ કામગીરી કરી શકે તે માટે આ બેઝ બનાવાયો હતો.
અમેરિકા અને ઇરાક વચ્ચે તણાવ
આ ઘટના બાદ ઇરાકે સંયુક્ત રાષ્ટ્ર (UN) માં અમેરિકા વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. જોકે, અમેરિકાએ આ હુમલામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે. ઇરાકના લેફ્ટનન્ટ જનરલ કૈસ અલ-મુહમ્મદાવીએ જણાવ્યું હતું કે, “આ ઓપરેશન કોઈ પણ પ્રકારના સંકલન વગર કરવામાં આવ્યું હતું. પુરાવાઓ સૂચવે છે કે જમીન પર ઇઝરાયલી સ્પેશિયલ ફોર્સ હાજર હતી, જેમને હવાઈ સુરક્ષા મળી રહી હતી.”
તપાસમાં મળ્યા ચોંકાવનારા પુરાવા
ઇરાકી સેનાની બે યુનિટોએ જ્યારે ઘટનાસ્થળની તપાસ કરી, ત્યારે તેમને એવા પુરાવા મળ્યા જે સાબિત કરે છે કે ત્યાં આધુનિક સૈન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ઇરાન વિરુદ્ધના આ યુદ્ધમાં ઇઝરાયલે ઇરાકની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરીને આ વ્યૂહાત્મક ખેલ ખેલ્યો હોવાનું હવે સપાટી પર આવ્યું છે.


