ભારતના લીપુલેખથી કૈલાશ માનસરોવર યાત્રા સામે નેપાળના પીએમનો વિરોધ | Nepal PM opposes Kailash Mansarovar Yatra from Lipulekh in India

![]()
– બાલેન સરકારે ભારત-ચીનને ડિપ્લોમેટિક નોટ મોકલી
– અમારી મંજૂરી વિના લિપુલેખમાં રસ્તો બનાવવા, વેપાર કરવા અથવા તીર્થ યાત્રા જેવી પ્રવૃત્તિનો કોઈને અધિકાર નથી : નેપાળ
કાઠમંડુ: ચીન સાથે જૂન ૨૦૨૦માં ગલવાન સંઘર્ષના પાંચ વર્ષ પછી ગયા વર્ષે શરૂ થયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી જૂન ૨૦૨૬થી શરૂ થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ધાર્મિક યાત્રા માટે નોંધણી શરૂ કરી દીધી છે. ચીને પણ આ યાત્રાને મંજૂરી આપી છે ત્યારે હવે નેપાળે ઉત્તરાખંડના લીપુલેખ માર્ગેથી આ યાત્રાના સંચાલન સામે વિરોધ નોંધાવ્યો છે. નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહે આ મુદ્દે ભારત અને ચીનને પત્ર લખ્યો છે.
નેપાળની બાલેન સરકારે ભારત અને ચીનને ડિપ્લોમેટિક પ્રોટેસ્ટ નોટ મોકલી છે. નેપાળનું કહેવું છે કે ઉત્તરાખંડ નજીક આવેલો લિપુલખ વિસ્તાર તેનો અભિન્ન ભાગ છે અને તેના પર કોઈપણ પ્રવૃત્તિઓ તેમને સ્વીકાર્ય નથી. નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોકબહાદુર પૌડેલ ક્ષેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે લિપુલખના માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા ચલાવવાની યોજના સામે નેપાળને સખત વાંધો છે. અમારી મંજૂરી વિના કોઈપણ પડોશી દેશને તેનો ઉપયોગ કરવાનો અધિકાર નથી.
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું કે, આ નિર્ણય કોઈ એક નેતાનો નથી, પરંતુ નેપાળના બધા જ રાજકીય પક્ષો સાથે વતાચીત કર્યા પછી જ આ પ્રોટેસ્ટ નોંટ મોકલાઈ છે. નેપાળે જે પ્રેસ નોટ જાહેર કરી છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમણે ભારત અને ચીનને ડિપ્લોમેટિક નોટ મારફત વલણ બતાવી દીધું છે.
બાલેન સરકારે કહ્યું કે, અગાઉ પણ અનેક વખત ભારત સરકારને કહેવાયું છે કે આ વિસ્તારમાં રસ્તો બનાવવો, વેપાર કરવો અથવા તીર્થ યાત્રા જેવી કોઈપણ પ્રવૃત્તિ કરવામાં ના આવે. હવે નેપાળે ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે. નેપાળનો દાવો છે કે વર્ષ ૧૮૧૬ની સુગૌલી સંધિ મુજબ મહાકાલી નદીના પૂર્વમાં પડતા લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તાર નેપાળનો ભાગ છે.
ભારતીય વિદેશ મંત્રાલય મુજબ ચીનના સહયોગથી આ વર્ષે જૂન અને ઓગસ્ટમાં કૈલાશ માનસરોવર યાત્રા યોજાશે. કુલ ૧,૦૦૦ પ્રવાસીઓ ૫૦-૫૦ના જૂથમાં આ યાત્રા કરશે. આ યાત્રા સિક્કિમના નાથૂ લા અને ઉત્તરાખંડના લિપુલેકથી યોજાય છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેની ઓનલાઈન નોંધણી શરૂ કરી દીધી છે, જે ૧૯ મે સુધી ચાલશે.



