ટ્રમ્પના મિજાજ ઢીલાં પડ્યાં, ઈરાનને ધમકાવવાની સાથે કહ્યું – હું શાંતિ પ્રસ્તાવ અંગે ફરી વિચારીશ | Donald Trump Warns of Fresh Strikes on Iran Rejects New Peace Proposal

![]()
Iran vs USA War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર પત્રકારો સાથે વાત કરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને ફરી એકવાર સૈન્ય હુમલા (Strikes) કરવાની ચેતવણી આપી છે. જોકે તેમના મિજાજ થોડા ઢીલા પડ્યાનું જણાઈ રહ્યું છે કેમ કે એકવાર ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ટ્રમ્પે કહ્યું કે હું આ પ્રસ્તાવ પર ફરી એકવાર વિચારીશ.
ટ્રમ્પનું આકરું નિવેદન
આ સાથે ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું કે જો જરૂર પડશે તો ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા શરૂ કરવામાં આવશે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે આર્થિક અને રાજકીય રીતે ‘તબાહ’ થઈ ગયું છે અને તેમને સમજ નથી પડી રહી કે તેમનો નેતા કોણ છે, કારણ કે તેમના સર્વોચ્ચ નેતા ખામેનેઈ હવે સત્તામાં નથી. ટ્રમ્પે અમેરિકા દ્વારા કરવામાં આવેલી દરિયાઈ નાકાબંધીને ‘ખૂબ જ મૈત્રીપૂર્ણ’ (Friendly) ગણાવી અને કહ્યું કે કોઈ તેને પડકારવાની હિંમત કરી રહ્યું નથી.
શું હતો ઈરાનનો નવો પ્રસ્તાવ?
એક વરિષ્ઠ ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાને ત્રણ મુખ્ય શરતો સાથે પ્રસ્તાવ મૂક્યો હતો:
1. યુદ્ધવિરામ: યુદ્ધ તાત્કાલિક બંધ થાય અને અમેરિકા-ઈઝરાયલ ફરી હુમલો ન કરવાની ગેરંટી આપે.
2. હોર્મુઝની ખાડી: ઈરાન ખાડી ખોલી દેશે, બદલામાં અમેરિકાએ પોતાની નાકાબંધી હટાવવી પડશે.
3. પરમાણુ મુદ્દો: સૌથી વિવાદાસ્પદ શરત એ હતી કે પરમાણુ મુદ્દા પર અત્યારે નહીં પણ ભવિષ્યમાં ચર્ચા કરવામાં આવે.
શા માટે ટ્રમ્પે પ્રસ્તાવ ન સ્વીકાર્યો?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પ્રસ્તાવને ફગાવતા કહ્યું કે, “ઈરાન એવી વસ્તુઓ માંગી રહ્યું છે જેના પર હું સંમત થઈ શકું તેમ નથી”. અમેરિકાની મુખ્ય શરત એ છે કે જ્યાં સુધી ઈરાનના પરમાણુ હથિયાર બનાવવાની શક્યતા કાયમ માટે ખતમ ન થાય ત્યાં સુધી યુદ્ધ અટકશે નહીં. જોકે, ટ્રમ્પે અંતે એટલું ચોક્કસ કહ્યું કે તે આ પ્રસ્તાવનો ફરી એકવાર ‘રિવ્યૂ’ (પુનઃવિચારણા) કરશે.
વર્તમાન સ્થિતિ
છેલ્લા ચાર અઠવાડિયાથી જંગબંધી હોવા છતાં કોઈ ચોક્કસ સમજૂતી થઈ શકી નથી. બંને પક્ષો તરફથી નાકાબંધી ચાલુ છે, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના સપ્લાય પર માઠી અસર પડી રહી છે.



