બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change in Kerala

![]()
– બંગાળમાં બીજા તબક્કામાં ઐતિહાસિક 92.47 ટકા મતદાન : પાંચ રાજ્યોનો એક્ઝિટ પોલ જાહેર
– ચાણક્યના પોલમાં બંગાળમાં ભાજપને સત્તા મળવાનો વરતારો, તમિલનાડુમાં સ્ટાલિનને વિજય હંફાવી શકે છે
– આસામમાં હિમંતા બિસ્વાનો જાદુ ચાલ્યો, સતત ત્રીજી વખત સત્તા, કોંગ્રેસનો નબળો દેખાવ : એક્ઝિટ પોલ
નવી દિલ્હી/કોલકાતા/ગુવાહાટી : પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ, પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, બુધવારે પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કામાં ભારે ગરમી વચ્ચે પણ રેકોર્ડ ૯૨.૪૭ ટકા મતદાન થયું હતું. હવે આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો ચાર મેના રોજ જાહેર કરવામાં આવશે, એવામાં વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ આસામમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ-ડાબેરી, તમિલનાડુમાં ડીએમકેને સત્તા જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આસામમાં હાલ હેમંતા બિસ્વા સર્માના રાજમાં ભાજપની સરકાર છે જે યથાવત રહેશે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના રાજમાં ટીએમસીની સરકારને ફટકો પડી શકે છે અહીંયા ત્રિશંકુની શક્યતાઓ છે. જ્યારે તમિલનાડુમાં એમ. કે. સ્ટાલિનના ડીએમકેને ફરી બહુમત મળશે પરંતુ કેરળમાં સત્તા પરિવર્તનનો વરતારો છે, કેરળમાં હાલ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એલડીએફની સરકાર છે જેના સ્થાને કોંગ્રેસ અને ડાબેરીઓની સરકાર બનવા જઇ રહી છે તેવુ તારણ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં એનડીએની સરકારના હાથમાં જ સત્તા રહેશે.
એક્સિસ માય ઇન્ડિયા સહિત મોટા ભાગની એજન્સીઓનો દાવો છે કે આસામમાં ભાજપને ૮૮થી ૧૦૦ જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને ૨૪-૩૬ બેઠકો મળશે, આસામમાં ૧૨૬ બેઠકો છે જેથી બહુમત માટે ૬૪ બેઠકોની જરૂર રહેશે. ભાજપ અહીંયા હાલ સત્તામાં છે. પશ્ચિમ બંગાળમાં મોટા ફેરફારની શક્યતાઓ છે, બંગાળમાં આ વખતે મમતાના પક્ષ ટીએમસીને ભાજપ ભારે ટક્કરની તૈયારીમાં છે, કેટલાક એક્ઝિટ પોલના તારણ મુજબ બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે જેમાં ટીએમસી, ભાજપ અને ડાબેરી-કોંગ્રેસનો સમાવેશ થાય છે. જોકે ચાણક્ય સ્ટ્રેટેજીના પોલમાં દાવો કરાયો છે કે ૨૯૪ બેઠકો વાળા બંગાળમાં ભાજપને ૧૫૦-૧૬૦ બેઠકો સાથે સત્તા મળશે જ્યારે ટીએમસીને ૧૩૦-૧૪૦ બેઠકો મળી શકે છે. કેટલાક તારણો મુજબ તમિલનાડુમાં ડીએમકેની સત્તા યથાવત રહેશે જ્યારે અહીંયા અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ ટીવીકેના પણ ચોંકાવનારા પરિણામ આવી શકે છે અને તે વિપક્ષમાં બેસે તેવી શક્યતાઓ છે.
પશ્ચિમ બંગાળમાં બુધવારે બીજા તબક્કાનું મતદાન થયું જેની ટકાવારી રેકોર્ડ બ્રેક ૯૨.૪૭ ટકા રહી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ભારતની આઝાદી પછી બંગાળનું આ સૌથી વધુ મતદાન છે. આ પહેલા બંગાળમાં ૨૦૧૧માં ૮૪.૭૨ ટકા મતદાન થયું હતું. જોકે મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય સુરક્ષાદળો બંગાળમાં ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરી રહ્યા છે. આ ચૂંટણી સ્વતંત્ર અને પારદર્શી નથી, ભવાનીપુર મત વિસ્તારમાં પોતાનો મત આપ્યા બાદ મમતાએ આ દાવો કર્યો હતો. સુરક્ષાદળોનું કામ સરહદે સુરક્ષા પુરી પાડવાનું છે પરંતુ તેઓ અહીંયા ભાજપ માટે કામ કરી રહ્યા છે અને મતદારોને પરેશાન કરી રહ્યા છે.



