‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister Nitesh Rane Sentenced to Jail in 2019 Mud Throwing Case: Court Verdict

![]()
BJP Minister Nitesh Rane Case : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેને સોમવારે સિંધુદુર્ગની એક કોર્ટે ‘કીચડ કાંડ’માં દોષિત ઠેરવીને એક મહિનાની જેલની સજા ફટકારી છે. આ મામલો ત્યારનો છે જ્યારે રાણે વિપક્ષમાં હતા અને તેમણે NHAIના એક એન્જિનિયર પર કીચડ ફેંક્યું હતું. કોર્ટે કહ્યું કે, કાયદો બનાવનારાઓએ કાયદો હાથમાં લેવો જોઈએ નહીં. જોકે, અદાલતે રાણેની સજા સ્થગિત કરી છે અને તેમને ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે સમય આપ્યો છે, જ્યારે આ કેસમાં અન્ય 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
‘સરકારી કર્મચારીનું જાહેરમાં અપમાન ન કરવું જોઈએ’
એડિશનલ સેશન્સ જજ વી.એસ. દેશમુખે જણાવ્યું કે, ‘ભલે નિતેશ રાણેનો ઈરાદો કામની ખરાબ ગુણવત્તા અને લોકોને પડતી મુશ્કેલી સામે અવાજ ઉઠાવવાનો હતો, પરંતુ તેમણે કોઈ સરકારી કર્મચારીનું જાહેરમાં અપમાન કરવું જોઈએ નહીં. જો આવી ઘટનાઓ બનતી રહેશે, તો સરકારી કર્મચારીઓ ગૌરવ સાથે પોતાની ફરજો બજાવી શકશે નહીં. આવી વૃત્તિ પર રોક લગાવવી એ સમયની માંગ છે.’
અન્ય આરોપોમાંથી રાણે મુક્ત
પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણે એ 30 લોકોમાં સામેલ હતા, જેમના પર તોફાન કરવા, સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો કરવા અને ગુનાહિત કાવતરું ઘડવા જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા. નિતેશ રાણે સહિતના તમામ આરોપીઓને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા કારણ કે મોટાભાગના દાવાઓમાં પૂરતા પુરાવા મળ્યા ન હતા. જોકે, અદાલતે નિતેશ રાણેને દોષિત જાહેર કર્યા હતા અને તેમને એક મહિનાની જેલની સજા ફટકારી હતી.
આ પણ વાંચો : ‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
શું હતો 2019નો કીચડ કાંડ ?
તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય રાણેએ 4 જુલાઈ 2019ના રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના સબ-ડિવિઝનલ એન્જિનિયર પ્રકાશ શેડેકરને મુંબઈ-ગોવા હાઈવેના કામનું નિરીક્ષણ કરવા માટે કંકાવલીમાં ગાડ નદી પર બનેલા એક પુલ પર બોલાવ્યા હતા. પ્રોસિક્યુશન મુજબ, નિતેશ રાણે અને તેમના સમર્થકો રોડના કામની નબળી ગુણવત્તા અને પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન થઈને એન્જિનિયર સાથે રકઝક કરી હતી. તેમણે શેડેકર પર કાદવવાળું પાણી ફેંક્યું અને તેમને જાહેરમાં કાદવમાં ચાલવા માટે મજબૂર કર્યા હતા.
અદાલતની કડક ટિપ્પણી
કોર્ટે કહ્યું કે, ફરિયાદી NHAIમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. આમ છતાં, તેમને સૌની સામે કાદવ ભરેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આનાથી ચોક્કસપણે તેમને અપમાન અને બેઈજ્જતી અનુભવાઈ હશે. જજે સ્વીકાર્યું કે એન્જિનિયર શેડેકરને કાદવ ભરેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર કરવા એ જાણીજોઈને કરેલું અપમાન હતું અને આ એક એવી ઉશ્કેરણીજનક હરકત હતી જેનાથી જાહેર શાંતિ ભંગ થવાનો ભય હતો.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે



