दुनिया

પુતિનની અમર થવાની જીદ! 150 વર્ષ જીવાડતી ‘એન્ટી-એજીંગ’ દવા માટે રશિયાનું સિક્રેટ મિશન | Putin’s Quest for 150 Year Life: Russian Scientists Develop World’s First Anti Aging Gene Drug


Putin Anti-Aging Drug: સદા યુવાન રહેવાનું, સો વર્ષ જીવવાનું કોને ન ગમે? આપણા વડીલો પણ સતાયુ થવાના આશીર્વાદ આપતાં હોય છે. આ વિષયને લગતા એક ઉત્સાહવર્ધક સમાચાર રશિયાથી આવ્યા છે. ત્યાં એક એવી દવા બની રહી છે, જેના વિશે જાણીને વૃદ્ધોના ચહેરા પર આનંદની લાગણી છવાઈ જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના દેશના વિજ્ઞાનીઓને મિશન આપ્યું છે કે તેઓ માણસ 150 વર્ષ સુધી જીવી શકે, એવી દવા બનાવી કાઢે. વૃદ્ધત્વની પ્રક્રિયાને જ રોકી પાડે એવી જનીન દવા (Gene Therapy Drug) શોધવામાં રશિયન વિજ્ઞાનીઓએ લાગી પડ્યા છે. શું આ સપનું સાકાર થશે? અને જો થશે તો શું એનો લાભ આમ જનતા સુધી પહોંચી શકશે? 

શું છે ‘RAGE’ દવાનો કરિશ્મા?

રશિયાના વિજ્ઞાન અને શિક્ષણ પ્રધાન ડેનિસ સેકિરિન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમના કહેવા મુજબ, રશિયન વિજ્ઞાનીઓ વિશ્વની પ્રથમ ‘એન્ટી-એજીંગ’ (વૃદ્ધત્વ વિરોધી) દવા વિકસાવી રહ્યા છે. શર્કરા (સુગર) અને ચરબીના કારણે આપણા શરીરમાં ‘AGEs’ (એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડપ્રોડક્ટ્સ) કહેવાતા હાનિકારક પદાર્થો બને છે. આ પદાર્થો RAGE (રીસેપ્ટર ફોર એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડપ્રોડક્ટ્સ) કહેવાતા રીસેપ્ટરને સક્રિય કરે છે, જેના કારણે શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે. પરિણામે સોજો (ઇન્ફ્લેમેશન) વધે છે અને કોષો વહેલા મરવા લાગે છે, જે વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે. રશિયન વૈજ્ઞાનિકો આ RAGE રીસેપ્ટરને જ બ્લોક કરવાની દવા બનાવી રહ્યા છે.

દવા કેવી રીતે કામ કરશે?

જનીન થેરાપી દ્વારા RAGE રીસેપ્ટરને બ્લોક કરવામાં આવશે. રીસેપ્ટર કામ કરતા બંધ થાય એટલે કોષો (સેલ્સ) વૃદ્ધત્વની અસરથી બચી જશે. સરળ ભાષામાં કહીએ તો, આ દવા ‘એન્ટીબોડી’ની જેમ કામ કરીને કોષોને લાંબા સમય સુધી યુવાન રાખશે અને વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી કરી દેશે.

પુતિનનું ‘અમરત્વ’નું સ્વપ્ન

આ સંશોધનને પુતિનની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સાથે જોડવામાં આવે છે. 73 વર્ષીય પુતિને નવેમ્બરમાં એક AI સમિટમાં કહ્યું હતું કે મનુષ્ય 150 વર્ષ સુધી જીવી શકે એમ છે. જો આવી દવાની શોધ ખરેખર થઈ શકી તો એને સહારે પુતિન લાંબા સમય સુધી સત્તા પર ટકી રહેવાની ઈચ્છા રાખતા હોવાનું કહેવાય છે.

પુતિનની અમર થવાની જીદ! 150 વર્ષ જીવાડતી ‘એન્ટી-એજીંગ’ દવા માટે રશિયાનું સિક્રેટ મિશન 2 - image

1,75,000 જીવન બચાવવાનું મિશન

પુતિને તેમના દેશનના વિજ્ઞાનીઓને એક ‘નેશનલ મિશન’ સોંપ્યું છે, જે મુજબ વૃદ્ધત્વ ટાળતી દવાની શોધ કરીને વર્ષ 2030 સુધીમાં 1,75,000 (એક લાખ પંચોતેર હજાર) વૃદ્ધોને મરતા બચાવવાનો છે. આમ, જો આ દવાની શોધ થઈ તો રશિયાના અનેક લોકોને એનો લાભ મળવાની શક્યતા છે, એમ કહી શકાય. અમુક નિષ્ણાતોનું કહેવું છે કે, યુક્રેન યુદ્ધમાં હજારો સૈનિકો ગુમાવી ચૂકેલું રશિયા વધુ લાંબો સમય યુવાન રહીને દેશ સેવા કરી શકે એવા સૈનિકો માટે પણ આ દવાનો ઉપયોગ કરી શકે એમ છે.

સત્તાનો વારસો આગળ વધારવાનો ખેલ? 

કહેવાય છે કે આ દવા લઈને પુતિન માત્ર લાંબું જીવવા જ નથી માંગતા, પરંતુ તેઓ સત્તાનો વારસો પણ પોતાના દીકરાના હાથમાં આપી જવા માંગે છે. રશિયામાં પ્રમુખ બનવાની ઉંમર 35 વર્ષ છે. પુતિનનો પુત્ર ઇવાન સ્પિરોડોનોવ હાલમાં 11 વર્ષનો છે. વર્ષ 2050માં તે 35 વર્ષનો થશે. તેથી એવું માનવામાં આવે છે કે પુતિનને 150 વર્ષ જીવવાની લાલસા નથી, તેઓ 97 સુધી જીવીને (એટલે કે 2050 સુધી) રશિયાની સત્તા પોતાના દીકરાને સોંપી જવા માંગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુતિનની મોટી પુત્રી 40 વર્ષની મારિયા વોરોન્ટસોવા એન્ડોક્રિનોલોજિસ્ટ (હોર્મોન નિષ્ણાત ડૉક્ટર) છે અને તે પણ આ દવાના સંશોધનમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે.

અન્ય પ્રાણીમાં ‘ઉગાડેલા’ અંગોનું માણસમાં ટ્રાન્સપ્લાન્ટ પણ શક્ય બનશે?  

ફક્ત પુતિન જ નહીં આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાતોનું તો એવું કહેવું છે કે ચીનના શી જિનપિંગ પણ દીર્ઘાયુ બનીને ચીન પર લાંબો સમય રાજ કરવા માંગે છે. એક મુલાકાતમાં પુતિને જિનપિંગને એમ પણ કહ્યું હતું કે, ખરાબ થઈ ગયેલા માનવ અંગોને બદલે જનીન ટેકનોલોજી દ્વારા નવા અંગો (જેમ કે, ડુક્કરના શરીરમાં ઉગાડવામાં આવતા અંગો)નું માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકવાનું પણ ભવિષ્યમાં શક્ય બનશે. ખરેખર આ દિશામાં સંશોધન ચાલતું હોય તો જ બે મોટા દેશના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે આ પ્રકારની વાત થાય. 

પુતિનના ‘એન્ટી-એજીંગ ગુરુ’ પણ દીર્ઘ જીવનના પક્ષમાં હતા 

આ સંશોધનના માર્ગદર્શક પ્રોફેસર વ્લાદિમીર ખાવિન્સન હતા. તેમણે વર્ષો સુધી પુતિનના ‘એન્ટી-એજીંગ ગુરુ’ની ભૂમિકા નિભાવી હતી. એક સમયે તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે માણસને 110-120 વર્ષ સુધી જીવાડવાનું રહસ્ય છે. તેમણે ‘પેપ્ટાઇડ કોકટેલ’ (Peptide Cocktail) વિકસાવી હતી, જે સોવિયેત સૈન્ય અને અંતરિક્ષ યાત્રીઓ (Cosmonauts) માટે બનાવવામાં આવી હતી. કહેવાય છે કે પુતિન અને તેમની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા પણ આ જ કોકટેલ લઈ રહ્યા છે. જોકે, આ માર્ગદર્શકનું ગયા વર્ષે 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. 

સપનું વાસ્તવિકતા બનશે?

આ એન્ટી-એજીંગ દવા હજુ પ્રાયોગિક (Experimental) તબક્કામાં છે. સવાલ એ છે કે શું આ દવા ખરેખર કામ કરશે? કે પછી તે સત્તાના મોહમાં ડૂબેલા નેતાઓનો માત્ર ભ્રમ સાબિત થશે? 

જો એ બનાવવામાં સફળતા મળી તો શું એનો ઉપયોગ કુદરતના કામમાં દખલ દેવા જેવો નહીં હોય? માનવવસ્તીનો બોજ વેઠતી પૃથ્વી પર આ દવાને કારણે દીર્ઘાયુ બની જતાં માણસો વધારાનો બોજ નહીં બની જાય?  



Source link

Related Articles

Back to top button