65 ચૂંટણી અધિકારીઓના જ SIR યાદીમાં નામ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું – મતદાન તો નહીં કરી શકો | supreme court refuses to intervene west bengal election duty officers deleted from voters list

![]()
Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન જે લોકોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા, તેમની અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
નોંધનીય છે કે, જે લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, તેમાં ચૂંટણી ડ્યુટી પર તેહનાત લગભગ 65 અધિકારીઓ પણ સામેલ છે. આ મામલાની સુનાવણી ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે કરી હતી.
અરજદારોની દલીલો
અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ એમ.આર. શમશાદે કોર્ટને જણાવ્યું કે, ‘અનેક અધિકારીઓના નામ કોઈપણ નક્કર કારણ આપ્યા વિના મનસ્વી રીતે મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
‘ તેમણે અદાલત સમક્ષ પોતાની વાત મૂકતા કહ્યું કે, ‘આ 65 અરજદારો હાલ ચૂંટણી ડ્યુટી પર છે. તેમના ડ્યુટી ઓર્ડરમાં તેમના મતદાર ઓળખપત્ર (EPIC) નંબર સ્પષ્ટપણે નોંધાયેલા છે.પરંતુ હવે તે નંબર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેનો સીધો અર્થ એ થયો કે જે લોકો ચૂંટણી સંપન્ન કરાવી રહ્યા છે, તેઓ પોતે જ મતદાન નહીં કરી શકશે! પ્રથમ દૃષ્ટિએ આ એક મનસ્વી વલણ છે અને ઘણા લોકોને તો તેનું કારણ પણ જણાવવામાં નથી આવ્યું.’
સુપ્રીમ કોર્ટનું શું વલણ રહ્યું?
એક અહેવાલ પ્રમાણે ખંડપીઠે અરજદારોને આ મામલે સીધી રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. અદાલતે તેમને તે અપીલીય ટ્રિબ્યુનલનો સંપર્ક કરવા કહ્યું, જેની સ્થાપના જ સર્વોચ્ચ અદાલતના આદેશ પર જ આ પ્રકારની ફરિયાદો સાંભળવા માટે કરવામાં આવી હતી. CJI સૂર્યકાંતે નિર્દેશ આપતા કહ્યું કે, ‘તમારી આ દલીલો અપીલીય ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરો. ટ્રિબ્યુનલને આ મામલાની તપાસ કરવા દો.’
જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ એ વાતનો સ્વીકાર કર્યો કે, ‘જે લોકોની અપીલ હાલ પડતર છે, તેઓ કદાચ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં મતદાન નહીં કરી શકશે.’ જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘મતદારો પોતાની અપીલની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે, જેથી ભવિષ્ય માટે મતદાર યાદીમાં તેમનું નામ પુનઃસ્થાપિત થઈ શકે. ટ્રિબ્યુનલ દ્વારા યોગ્ય આદેશો પસાર કરવામાં આવશે… એ સાચું છે કે કદાચ તેઓ આ વર્તમાન ચૂંટણીમાં મતદાન ન કરી શકે. પરંતુ મતદાર યાદીમાં નામ જાળવી રાખવાનો જે વધુ મૂલ્યવાન અધિકાર છે, તેને દરેક સંજોગોમાં સુરક્ષિત રાખવામાં આવશે.’
અંતે આ વિવાદ કેમ ઊભો થયો?
પશ્ચિમ બંગાળ સહિત ભારતના વિવિધ રાજ્યોમાં SIR પ્રક્રિયાને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં હાલ વિચારાધીન છે, કારણ કે આ પ્રક્રિયા હેઠળ મોટા પાયે લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. જેના કારણે દેશભરમાં સવાલો ઉઠી રહ્યા છે.
પશ્ચિમ બંગાળનો વિશેષ મામલો
ભારત નિર્વાચન આયોગ (ECI) અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ‘વિશ્વાસના અભાવ’ને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 20 ફેબ્રુઆરીએ એક મોટો નિર્ણય લીધો હતો. અદાલતે પશ્ચિમ બંગાળમાં SIRની જવાબદારી રાજ્ય સરકારને બદલે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના ન્યાયિક અધિકારીઓને (જિલ્લા ન્યાયાધીશો અને નિવૃત્ત ન્યાયાધીશો સહિત) સોંપી દીધી હતી.
ચોંકાવનારા આંકડા
આ કામગીરી માટે અંદાજે 900 જેટલા ન્યાયિક અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 16 એપ્રિલ સુધીમાં આ અધિકારીઓએ લગભગ 60 લાખ વાંધા અરજીઓનો નિકાલ કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપ 27 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
અપીલની પ્રક્રિયા અને વર્તમાન સ્થિતિ
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જ ન્યાયિક અધિકારીઓના નિર્ણયો સામેની અપીલ સાંભળવા માટે ‘અપીલીય ટ્રિબ્યુનલ’ની રચના કરવામાં આવી હતી. વર્તમાનમાં લગભગ 19 જેટલા અપીલીય ટ્રિબ્યુનલ સક્રિય છે અને અપીલો સાંભળી રહ્યા છે.
13 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, જે મતદારોને ચૂંટણીના ઓછામાં ઓછા બે દિવસ પહેલા આ ટ્રિબ્યુનલ દ્વારા મંજૂરી મળી જશે તેઓ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે. જોકે, અહેવાલો પ્રમાણે અપીલ ટ્રિબ્યુનલ દ્વારા અત્યાર સુધીમાં માત્ર 136 અપીલો પર જ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો છે.



