ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO | Donald Trump s Hellhole Remark on India Sparks Controversy Iran and Democrats Hit Back

Donald Trump India Remark: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને ‘નર્ક’ કહેવા અંગે આપેલા નિવેદન પર વિવાદ વકર્યો છે. આ મુદ્દે મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે ટ્રમ્પ પર વળતો પ્રહાર કર્યો છે અને તેમને ભારતની સુંદરતા જોવાની સલાહ આપી છે. ઈરાની કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પર 16 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં મહારાષ્ટ્રના બે વિરોધાભાસી અને સુંદર પાસાંઓ દર્શાવ્યા છે. એક તરફ મુંબઈની ગગનચુંબી ઇમારત અને હાઈવેની ચમક છે, તો બીજી તરફ પહાડો અને કુદરતી સૌંદર્યના દ્રશ્યો છે. આ પોસ્ટ સાથે ટ્રમ્પને ‘કલ્ચરલ ડિટોક્સ’ એટલે કે પોતાની વિચારધારા બદલવાની અને એકવાર ભારત આવીને જોવાની સલાહ આપવામાં આવી છે.
અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ પણ કર્યો વિરોધ
ટ્રમ્પના આ નિવેદન બદલ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી પણ તેમના પર ભડકી છે. પાર્ટીના પ્રતિનિધિઓએ ટ્રમ્પ પર ‘નસ્લવાદી કચરો’ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ડેમોક્રેટિક નેતાઓએ જણાવ્યું કે, અમેરિકા જ્યારે આર્થિક અને સામાજિક રીતે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર નસ્લવાદી વાતો ફેલાવવામાં વ્યસ્ત છે અને પ્રમુખ પદને રિયાલિટી ટીવી શોની જેમ ચલાવી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પત્ર રી-પોસ્ટ કર્યો હતો, જેમાં ઇમિગ્રન્ટ્સ(સ્થળાંતર કરનારાઓ) અંગે વાત કરતા લખવામાં આવ્યું હતું કે, ‘અમેરિકામાં જન્મેલું બાળક તરત જ નાગરિક બની જાય છે અને ત્યારબાદ તે ચીન, ભારત કે ધરતીના કોઈ બીજા ‘નર્ક’ માંથી પોતાના પરિવારને અહીં લઈ આવે છે.’
આ પણ વાંચો: ‘..તો 1 જ મિનિટમાં યુદ્ધનો અંત આવી જાય’, ઈરાનનું નામ લઈ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
મધ્ય-પૂર્વમાં વધતો તણાવ
બીજી તરફ, મધ્ય-પૂર્વ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ ગંભીર સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ આપી છે, જે કોઈ મોટા હુમલા કે જોખમ તરફ ઈશારો કરી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.




