‘ઈરાન ઉપર પરમાણુ હુમલો નહીં કરું…’, મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત | donald trump no nuclear attack on iran middle east tensions 2026

![]()
Donald Trump Iran Nuclear Statement: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, ‘અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે, કારણ કે હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય તાકાતને પહેલાથી જ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.’
‘પરમાણુ હથિયારોના ઉપયોગની જરૂર જ નથી’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, ‘હું પરમાણુ હથિયારોનો ઉપયોગ શા માટે કરીશ? અમે પરંપરાગત શસ્ત્રો દ્વારા જ ઈરાનના સૈન્ય માળખાને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. કોઈએ પણ ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અમેરિકાએ આ ઘાતક હથિયાર વિના જ ઈરાનની લશ્કરી કમર તોડી નાખી છે, તેની નૌકાદળ ડૂબી ગઈ છે અને વાયુસેના તેમજ રડાર સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે.’
‘ઈરાન પાસે સમય નથી, મારી પાસે ઘણો સમય છે’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે ફેક ન્યૂઝના અહેવાલોને ફગાવતા લખ્યું હતું કે, ‘જેઓ એમ માને છે કે હું ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ દબાણ હેઠળ કે ઉતાવળમાં છું, તે ખોટા છે. મારી પાસે દુનિયાનો બધો જ સમય છે, પરંતુ ઈરાન પાસે સમય નથી. તેમની ઘડિયાળ ટિક ટિક કરી રહી છે!’
સમુદ્રમાં અમેરિકાની પકડ મજબૂત
એક તરફ શાંતિ અને કરારની વાતો થઈ રહી છે, તો બીજી તરફ અમેરિકાએ પોતાની વ્યૂહાત્મક તૈયારીઓ તેજ કરી દીધી છે. યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ હિંદ મહાસાગરમાં પહોંચતા હવે આ ક્ષેત્રમાં અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સ તહેનાત થયા છે.જેમાં યુએસએસ અબ્રાહમ લિંકન અરબી સમુદ્રમાં તહેનાત, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ રાતા સમુદ્રમાં તહેનાત અને યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ હિંદ મહાસાગરમાં પહોંચ્યું છે. નોંધનીય છે કે, ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો કે ઈરાન સાથે કરાર ત્યારે જ થશે જો તે અમેરિકા અને તેના સાથી દેશો માટે ન્યાયી અને ફાયદાકારક હશે.



