અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રૅકોર્ડ ઘટાડો | donald trump approval rating drops us midterm elections economy immigration iran

US Midterm Elections 2026: અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને AP-NORC દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને 33%થી 36%ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે.
અર્થતંત્ર અને મોંઘવારી મુખ્ય પડકાર
AP-NORCના સર્વે મુજબ, 10માંથી 7 અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે અને દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના નિર્ણયોને માત્ર 30% લોકોએ જ સમર્થન આપ્યું છે, જે માર્ચમાં 38% હતું. જીવનનિર્વાહના ખર્ચ (Cost of Living) મુદ્દે 76% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર 23% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે.
ઈમિગ્રેશન નીતિથી રિપબ્લિકન ઉમેદવારો મુશ્કેલીમાં?
ટ્રમ્પની કડક ડિપોર્ટેશન પોલિસી હવે તેમની જ પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે છે. 52% અમેરિકનોએ જણાવ્યું કે, તેઓ એવા ઉમેદવારને મત નહીં આપે જે ટ્રમ્પની ડિપોર્ટેશન નીતિનું સમર્થન કરતા હોય. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ મતદારોમાં આ વિરોધ વધુ જોવા મળ્યો છે. મિનેપોલિસમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મૃત્યુ બાદ વહીવટીતંત્રે અટકાયતની પ્રક્રિયા ધીમી કરી છે.

ઈરાન સાથેનું યુદ્ધ અને વિદેશ નીતિ
વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 67% અમેરિકનોએ ઈરાન સાથેના સંઘર્ષના મુદ્દે ટ્રમ્પના વલણને નકારી દીધું છે. સર્વે મુજબ, 61% અમેરિકનો માને છે કે અમેરિકાએ ઈરાનમાં હવે વધુ કોઈ સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ નહીં.
શું ટ્રમ્પના સમર્થકોનો બેઝ અકબંધ છે?
જોકે, આ નકારાત્મક પોલ્સ વચ્ચે પણ ટ્રમ્પ માટે એક આશાનું કિરણ છે. રિપબ્લિકન પાર્ટીના 83% સમર્થકો હજુ પણ ટ્રમ્પની કામગીરીને યોગ્ય માને છે. આ ઉપરાંત, વોટર આઇડી અને નાગરિકતાના પુરાવા ફરજિયાત કરવાના મુદ્દે 75% અમેરિકનો ટ્રમ્પની તરફેણમાં છે.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ
આગામી ચૂંટણીમાં મતદારો માટે કયા મુદ્દા સૌથી મહત્વના છે.
અર્થતંત્ર: 29%
લોકશાહી સામેના જોખમો: 24%
હેલ્થકેર: 12%
ગુનાખોરી: 10%



