10 કરોડનું બજેટ અને 200 કરોડની કમાણી! ‘વાઝા 2’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ | vaazha 2 box office collection story 5th highest grossing malayalam film

Vaazha II: Biopic of a Billion Bros: મલયાલમ સિનેમા હંમેશા તેની વિશિષ્ટ વાર્તાઓને કારણે જાણીતું રહ્યું છે, પરંતુ તાજેતરમાં બોક્સ ઓફિસ પર ‘વાઝા 2: બાયોપિક ઓફ અ બિલિયન બોયઝ’ ફિલ્મે અકલ્પનીય સફળતા મેળવીને સૌને ચોંકાવી દીધા છે. જ્યાં મોટા બજેટની ફિલ્મોને 100 કરોડ સુધી પહોંચતા પરસેવો પડી જાય છે, ત્યાં ‘વાઝા 2’ એ રિલીઝના માત્ર 20 દિવસમાં જ વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને મોલિવૂડના અનેક જૂના રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ ફિલ્મની સફળતામાં ‘વર્ડ ઓફ માઉથ’ એટલે કે લોકોની પ્રશંસાએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેના કારણે રિલીઝના ત્રીજા અઠવાડિયે પણ સિનેમાઘરોમાં પ્રેક્ષકોની ભીડ યથાવત જોવા મળી રહી છે.
વિશ્વભરમાં 200 કરોડની ક્લબમાં એન્ટ્રી
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, ‘વાઝા 2’ એ ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં આશરે 111.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું છે. આ સાથે જ તેણે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ ‘L2: Empuraan’ના 106.77 કરોડના લાઈફટાઈમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. વિશ્વભરના આંકડાની વાત કરીએ તો, ભારતમાં 128.47 કરોડ ગ્રોસ અને વિદેશોમાં 83.55 કરોડની કમાણી સાથે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 212.02 કરોડને પાર કરી ગયું છે. 200 કરોડની ક્લબમાં સામેલ થનારી આ પાંચમી મલયાલમ ફિલ્મ બની ગઈ છે.
નાના બજેટમાં મોટી સફળતા
સાવિન સાના નિર્દેશનમાં અને વિપિન દાસ દ્વારા લખાયેલી આ ફિલ્મની વાર્તા હાસિર, આલન, અજીન અને વિનાયક નામના ચાર મિત્રોની આસપાસ ફરે છે. સમાજ અને પરિવાર જેમને ‘લૂઝર્સ’ માને છે, તેવા આ ચાર યુવકો કેવી રીતે પોતાની ઓળખ શોધવા માટે સેલ્ફ-ડિસ્કવરીની સફર પર નીકળે છે, તેનું ભાવુક અને મનોરંજક નિરૂપણ કરવામાં આવ્યું છે. આ યુવાનોનો લડકપનથી મેચ્યોરિટી સુધીનો પ્રવાસ દર્શકોને ખૂબ જ સ્પર્શી ગયો છે. રસપ્રદ વાત એ છે કે વર્ષ 2024માં આવેલા આ ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ માત્ર 4 કરોડ હતું, જ્યારે બીજા ભાગનું બજેટ માત્ર 10 કરોડ રૂપિયા છે. અહેવાલો મુજબ, હવે આ ફિલ્મના ત્રીજા ભાગ પર પણ કામ શરૂ થવાનું છે, જેની વાર્તા છોકરાઓ પર નહીં પરંતુ છોકરીઓ પર આધારિત હશે.
આ પણ વાંચો: સની દેઓલ અને ઈમરાની હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે
ટોપ 10 મોલિવૂડ ફિલ્મોમાં સ્થાન
ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ટોચની 10 મોલિવૂડ ફિલ્મોની યાદીમાં ‘વાઝા 2’ હવે ચોથા ક્રમે મજબૂતીથી ઉભી છે. આ યાદીમાં ‘લોકા ચેપ્ટર 1′(303 કરોડ વર્લ્ડવાઈડ) અને ‘મંજૂમેલ બોયઝ'(241 કરોડ વર્લ્ડવાઈડ) જેવી ફિલ્મો હજુ પણ ટોચ પર છે. જે રીતે આ ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ટકી રહી છે, તે જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે તે આગામી દિવસોમાં હજુ પણ અનેક નવા સીમાચિહ્નો સર કરશે. ટૂંકા બજેટમાં બનેલી આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે જો વાર્તા દમદાર હોય તો કોઈ પણ ફિલ્મ ઇતિહાસ રચી શકે છે.




