दुनिया

હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારત અને રશિયાનો મોટો ખેલ! 2030 સુધી ઓઇલની માથાકૂટ સમાપ્ત | India Boosts Russian Oil Security More Insurers Approved Amid Strait of Hormuz Tensions



India Boosts Russian Oil Security: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધીના કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસના પુરવઠાને લઈને ચિંતા વધી છે. આ કટોકટીના સમયે ભારતે અત્યંત સમજદારીપૂર્વકનું પગલું ભર્યું છે. ભારત સરકારે રશિયાથી ઓઇલ લાવતા જહાજો માટે વીમો આપતી રશિયન કંપનીઓની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગ(DGS) દ્વારા અગાઉ 8 કંપનીઓને મંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને 11 કરી દેવામાં આવી છે. ભારતનો આ નિર્ણય દેશની ઊર્જા સુરક્ષા માટે એક મજબૂત ‘સુરક્ષા કવચ’ સમાન માનવામાં આવે છે.

શું છે P&I કવર અને કેમ વધારવામાં આવી કંપનીઓની સંખ્યા?

આ કંપનીઓ જહાજોને ખાસ પ્રકારનો વીમો પૂરો પાડે છે, જેને P&I કવર(Protection and Indemnity) કહેવામાં આવે છે. આ વીમા વગર કોઈપણ જહાજ આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં કાર્ય કરી શકતું નથી. રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે યુરોપિયન વીમા કંપનીઓએ રશિયન ઓઇલ વહન કરતાં જહાજોને વીમો આપવાનું બંધ કર્યું હતું. ભારત હાલમાં રશિયા પાસેથી મોટી માત્રામાં સસ્તું ઓઇલ ખરીદી રહ્યું છે, તેથી ઓઇલ પુરવઠામાં કોઈ અડચણ ન આવે તે માટે ભારતે રશિયન અને દુબઈ સ્થિત કંપનીઓને મંજૂરી આપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે.

ભવિષ્યની તૈયારી: 2030 સુધીનું આયોજન

ભારતે માત્ર વર્તમાન જ નહીં પરંતુ આગામી ઘણા વર્ષોનું આયોજન કરી લીધું છે. ગઝપ્રોમ ઇન્શ્યોરન્સ અને રોસગોસ્ત્રાખ જેવી મોટી રશિયન કંપનીઓને ફેબ્રુઆરી 2027 સુધી, જ્યારે VSK, સોગાઝ અને આલ્ફાસ્ટ્રાખોવાની જેવી કંપનીઓને 2030 સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ એક પર નિર્ભરતા ઘટાડવા માટે દુબઈ સ્થિત ‘ઇસ્લામિક પ્રોટેક્શન ઍન્ડ ઇન્ડેમ્નિટી ક્લબ’ને પણ ફેબ્રુઆરી 2027 સુધી સેવાઓ આપવાની પરવાનગી મળી છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની આશંકાથી દુનિયામાં ફફડાટ! હોર્મુઝમાં સૈન્ય હિલચાલ તેજ

હોર્મુઝમાં તણાવની ભારત પર અસર

વિશ્વમાં ઓઇલ આયાત કરતો ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. ઓઇલનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થાય છે, જ્યાં અત્યારે ભારે તણાવ છે. જો આ રસ્તો બંધ થાય કે તેમાં અડચણ આવે તો ભારતની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી શકે તેમ છે. આ કપરા સમયમાં રશિયન ઓઇલ માટે વીમા વ્યવસ્થા મજબૂત કરીને ભારતે ખાતરી કરી છે કે દેશમાં ઓઇલ અને ગેસની કોઈ અછત સર્જાશે નહીં.


હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારત અને રશિયાનો મોટો ખેલ! 2030 સુધી ઓઇલની માથાકૂટ સમાપ્ત 2 - image



Source link

Related Articles

Back to top button