राष्ट्रीय

ભારત -કોરીયા વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 50 અબજ ડોલરે લઈ જવાશે | Trade between India and Korea to reach 50 billion by 2030



– બંને દેશ ક્રિટિકલ ટેક્નોલોજી-સપ્લાય ચેઈનમાં સહયોગ વધારશે

– ભારતમાં કોરીયન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપની સ્થાપના કરાશે, એઆઈ, સેમીકંડક્ટર, આઇટીમાં ભાગીદારી

નવી દિલ્હી : દક્ષિણ કોરીયાના પ્રમુખ લી જે મ્યુંગ ભારતના પ્રવાસે છે. તેમણે સોમવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશ વચ્ચેનો કારોબાર ૨૦૩૦ સુધીમાં ૫૦ અબજ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં બંને દેશ વચ્ચેનો કારોબાર ૨૭ અબજ ડોલરનો છે. તેમણે જણાવ્યું હતું કે કારોબારને આ સ્તર સુધી લઈ જવા બંને દેશ વચ્ચે ઘણા સમજૂતીપત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોરીયાના પ્રમુખનો આઠ વર્ષ પછીનો ભારત પ્રવાસ સૌથી મહત્ત્વનો છે. લોકતાંત્રિક મૂલ્ય, માર્કેટ ઇકોનોમી અને કાયદાને સન્માન આપણા દેશના ડીએનએમાં છે. હિંદ પ્રશાંત ક્ષેત્રમાં આપણા સર્વસામાન્ય ધ્યેયો છે. 

આ બધાના આધારે છેલ્લા એક દાયકામાં આપણા સંબંધ વધુ ગતિશીલ અને વ્યાપક થયા છે. તેમના પ્રવાસની મદદથી અમે આ વિશ્વસનીય ભાગીદારીને ભવિષ્યની ભાગીદારીમાં પરિવર્તીત કરવા જઈ રહ્યા છે. અમે ચિપથી લઈને ચિપ્સ, ટેલેન્ટથી લઈને ટેકનોલોજી, પર્યાવરણથી લઈને ઉર્જા સુધીના દરેક ક્ષેત્રમાં સહયોગની નવી તકોનું સર્જન કરીશું અને સાથે મળીને બંને દેશોનો વિકાસ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરીશું.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેના નાણાકીય પ્રવાહને સુગમ બનાવવા ભારત-કોરીયા ફાઇનાન્સિયલ ફારમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇનમાં સહયોગ વધારવા ઇકોનોમિક સિક્યોરિટી ડાયલોગ શરૂ કરી રહ્યા છીએ. અમે કોરીયન કંપનીઓને ખાસ કરીને એસએમઇનો ભારતમાં પ્રવેશ સહજ કરવા માટે કોરીયન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ પણ સ્થાપીશું. 

તેમણે જણાવ્યું હતું કે આગામી એક વર્ષની અંદર અમે ભારત-કોરીયા ટ્રેડ સમજૂતીને અપગ્રેડ કરીશું. એઆઈ, સેમીકંડક્ટર અને આઇટીમાં ભાગીદારીનો વ્યાપ વધારવા ઇન્ડિયા-કોરીયા ડિજિટલ બ્રિજ લોન્ચ કરી રહ્યા છીએ. શિપબિલ્ડિંગ, સ્ટીલ અને સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં એમઓયુ કરી રહ્યા છીએ. 

તેમણે જણાવ્યું હતું કે કલ્ચર અને ક્રીયેટિવિટીના ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગથી ફિલ્મ, એનિમેશન અને ગેમિંગમાં પણ નવા આયામ સ્થાપીશું. આજનું બિઝનેસ ફોરમ આ તકોને સુનિશ્ચિત પરિણામોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. બંને દેશ વચ્ચેના પ્રાકૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને કોરીયા વચ્ચે હજારો વર્ષ જૂનો સાંસ્કૃતિક સંબંધ છે. ૨૦૦૦ વર્ષ પહેલા અયોધ્યાજી રાજકુમારી સૂરી રત્ના અને કોરિયન રાજા કિમ સૂરોની વાર્તા આપણો સંયુક્ત સાંસ્કૃતિક વારસો છે. 

ભારતમાં કોરિયન ડ્રામા લોકપ્રિય છે. આ જ રીતે કોરીયામાં ભારતીય સિનેમાની ઓળખ વિકસી રહી છે. મને આનંદ છે કે પ્રેસિડેન્ટ પોતે ભારતીય સિનેમાના પ્રશંસક છે. આ સાંસ્કૃતિક જોડાણ મજબૂત કરવા અમે ૨૦૦૮માં ભારત-કોરીયા ફ્રેન્ડશિપ ફેસ્ટિવલનું આયોજન કરીશું. તેની સાથે પીપલ-ટુ-પીપલ કોન્ટેક્ટ મજબૂત બનાવવા શિક્ષણ, સિસર્ચ સહયોગ અને પ્રવાસનને પણ પ્રોત્સાહન આપીશું. 



Source link

Related Articles

Back to top button