જાપાનમાં 7.4ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર, ભારે અફરાતફરીનો માહોલ | japan earthquake 7 5 magnitude tsunami alert bullet trains suspended aomori hokkaido

![]()
Japan Earthquake Today: જાપાનના ઉત્તર-પૂર્વ તટ પર સોમવારે 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતાં સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે તંત્ર દ્વારા તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તટીય વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે.
સુનામી ઍલર્ટ: 3 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા
જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઇવાતે (Iwate), આઓમોરી (Aomori) અને હોકાઇડો(Hokkaido)માં 3 મીટર સુધી ઊંચી સુનામી લહેરો આવવાની આશંકા છે. PM સનાએ તાકાઇચી(Sanae Takaichi)એ ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી છે અને લોકોને સહેજ પણ વિલંબ કર્યા વગર ઊંચાણવાળા વિસ્તારોમાં પહોંચવા અપીલ કરી છે.
બુલેટ ટ્રેનો અને ન્યુક્લિયર પ્લાન્ટ પર અસર
ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે જાપાનની લાઇફલાઇન ગણાતી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ટોક્યોથી આઓમોરી વચ્ચે ચાલતી તમામ બુલેટ ટ્રેન સેવાઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ઓનાગાવા ન્યુક્લિયર પ્લાન્ટ સહિતની મહત્ત્વની સુવિધાઓમાં તાત્કાલિક સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ ઇજનેરો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
દરિયામાં જહાજોની દોડધામ
જાહેર પ્રસારણકર્તા NHKના ફૂટેજમાં જોઈ શકાય છે કે હાચિનોહે (Hachinohe) બંદર પરથી જહાજો સાવચેતીના ભાગરૂપે દરિયાના ઉંડાણવાળા ભાગ તરફ જઈ રહ્યા છે. શહેરોમાં ઈમરજન્સી ઍલર્ટ સાયરન વાગી રહ્યા છે અને બિલ્ડિંગો પર ચેતવણીના સંદેશા ફ્લેશ થઈ રહ્યા છે. જાપાનના સ્કેલ મુજબ આ ભૂકંપ upper 5 શ્રેણીનો હતો, જેમાં ચાલવું મુશ્કેલ બની જાય છે અને નબળી દીવાલો ધરાશાયી થઈ શકે છે.



