પાકિસ્તાનમાં થનારી શાંતિ મંત્રણા નિષ્ફળ! ટ્રમ્પે કહ્યું આખું ઈરાન રાખ કરી નાંખીશું, તેહરાને શરતો ઠુકરાવી | iran rejects talks with us strait of hormuz closed trump threatens infrastructure attack

![]()
Crude Oil Market News: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનમાં વાટાઘાટો માટે પ્રતિનિધિમંડળ મોકલવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને મંત્રણામાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, તેહરાને તમામ શાંતિ કરારો રદ જાહેર કરી દીધા છે.
જો ઈરાન ડીલ નહીં કરે તો આખો દેશ ફૂંકી મારીશું: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિએ એક ઇન્ટરવ્યુમાં ઈરાનને ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત વાટાઘાટો ઈરાન માટે છેલ્લી તક છે. ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, જો ઈરાન આ ડીલ પર સહી નહીં કરે, તો આખો દેશ ફૂંકી મારવામાં આવશે. આ સાથે જ તેમણે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની પણ ધમકી આપી છે.
ઈરાને કેમ ફગાવ્યો મંત્રણાનો પ્રસ્તાવ?
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA મુજબ, અમેરિકાની અવાસ્તવિક માંગણીઓ, વારંવાર બદલાતા વલણ અને નેવલ બ્લોકેડને કારણે મંત્રણા ન કરવાનો નિર્ણય લેવાયો છે. વરિષ્ઠ અધિકારી ઈબ્રાહિમ ઝોલફાઘારીએ સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા સાથેની તમામ વાટાઘાટો હવે રદ છે. કોઈપણ પ્રકારનો શાંતિ સોદો હવે અસ્તિત્વમાં નથી. વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ગણાતી હોર્મુઝને સંપૂર્ણપણે ફરી બંધ કરી દેવામાં આવી છે.
વૈશ્વિક ઓઇલ બજાર પર મોટું સંકટ
આ સંઘર્ષ હવે આઠમા સપ્તાહમાં પ્રવેશ્યો છે, જેમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. હોર્મુઝની સામુદ્રધુની એ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટેનો મુખ્ય માર્ગ છે. ઈરાને ફરીથી આ માર્ગ પર પ્રતિબંધો લાદતા આંતરરાષ્ટ્રીય ઓઇલ બજારમાં ભારે ઉથલપાથલ થવાની ભીતિ સેવાઈ રહી છે. તેહરાને કહ્યું છે કે, જ્યાં સુધી અમેરિકા તેની નૌકાબંધી હટાવશે નહીં, ત્યાં સુધી ટ્રાન્ઝિટ સામાન્ય થશે નહીં.
મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા
બીજી તરફ, પાકિસ્તાન બંને દેશોના સંપર્કમાં છે અને તણાવ ઘટાડવા માટે સતત સંવાદની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યું છે. જોકે, બે સપ્તાહના યુદ્ધવિરામનો સમયગાળો ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે કોઈ નક્કર ઉકેલ ન આવતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે.



