હોર્મુઝ અંગે ફરી આરપારની જંગના એંધાણ! ટ્રમ્પના આદેશ બાદ અમેરિકા જપ્ત કર્યું જહાજ, ઈરાને કહ્યું- વળતો જવાબ આપીશું | Trump Claims US Navy Seized Iranian Ship in Hormuz

![]()
Trump Claims US Navy Seized Iranian Ship in Hormuz : પશ્ચિમ એશિયાના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝમાં સ્થિતિ ધીમે ધીમે ફરી સ્ફોટક બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની નૌસેનાના વિનાશક જહાજ ‘યુએસએસ સ્પ્રુએન્સ’એ ઓમાનની ખાડીમાં ઈરાનના ઝંડા ધરાવતા માલવાહક જહાજ ‘TOUSKA’ ને આંતર્યું છે. ટ્રમ્પના મતે, આ જહાજે અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ચેતવણીઓ છતાં રોકાયું નહોતું, જેના કારણે તેને બળપૂર્વક કબજે કરવામાં આવ્યું છે.
અમેરિકાએ ઈરાનના જહાજ પર કબજો કર્યો
હાલમાં આ ઈરાનનું જહાજ અમેરિકી મરીનના સંપૂર્ણ નિયંત્રણમાં છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે આ જહાજ અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતું અને હાલ તેની તપાસ ચાલી રહી છે.
અમેરિકાએ સીઝફાયરનો ભંગ કર્યો: ઈરાન
ઈરાને આ કાર્યવાહીને ‘સમુદ્રી ચાંચિયાગીરી’ ગણાવી છે. ઈરાનનો દાવો છે કે આ જહાજ ચીનથી ઈરાન આવી રહ્યું હતું અને અમેરિકાએ તેના પર ગોળીબાર કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. વળતા જવાબમાં ઈરાને ડ્રોન્સ દ્વારા યુએસ મિલિટ્રી શિપ પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થવાની હતી. ઈરાને હવે આ વાટાઘાટોમાં જોડાવાનો ઈનકાર કરી દીધો છે.



