VIDEO: હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા મુદ્દે સવાલ કરતાં ભડકી ઉઠયા ટ્રમ્પ, કહ્યું,-‘બહાર નીકળો’ | Strait of Hormuz india ships attack question reporter asked donald trump angry out video

![]()
Iran US War Update: અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું હતું જેમાં 8 એપ્રિલે બે અઠવાડિયાના યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી હોવા છતાં પણ યુદ્ધની સ્થિતિ ફરી ભડકી રહી છે. ગઈકાલે હોર્મુઝ પસાર કરવાનો પ્રયાસ કરી રહેલા બે ભારતીય જહાજો પર ઈરાને હુમલો કરી દીધો, જેના પર ભારતે નારાજગી પણ વ્યક્ત કરી છે. એક પત્રકારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટનાથી જોડાયેલો સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો તો તેઓ ભડકી ગયા અને પત્રકારને બહાર નીકળી જવા માટે કહી દીધું. CBS ન્યૂઝના રિપોર્ટરે આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. યુઝર્સ પત્રકાર પ્રત્યેના ટ્રમ્પના વલણ પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું આઉટ..
CBS ન્યૂઝની વ્હાઇટ હાઉસ કવર કરતી પત્રકાર ઓલિવિયા રિનાલ્ડીએ ઈરાનમાં ચાલી રહેલી સ્થિતિ અને હોર્મુઝમાં હાલની ઘટનાઓ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઈરાન દ્વારા બે ભારતીય જહાજો પર હુમલો કરવા સંબંધિત સવાલ પૂછ્યો હતો. જેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે તેમાં તે ક્ષણ કેદ થઈ છે જ્યારે ટ્રમ્પે રિનાલ્ડી અને ત્યાં હાજર બાકીના પત્રકારોને બહાર કાઢી મૂક્યા હતા. રિપોર્ટરે પોતે પણ બાદમાં તે ક્લિપને ફરીથી પોસ્ટ કરતા લખ્યું, ‘મેં રાષ્ટ્ર પ્રમુખને હોર્મુઝમાં હાજર બે જહાજો વિશે પૂછવાનો પ્રયાસ કર્યો, જેના પર કથિત રીતે ઈરાની ગનબોટ્સે ગોળીબાર કર્યો હતો. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું- બહાર નીકળો.’ આ ઘટના એવા સમયે બની છે જ્યારે ટ્રમ્પ ઈરાન સાથે વાતચીત તૂટવા વચ્ચે એક ઈમરજન્સી સિચ્યુએશન રૂમ બેઠક બોલાવી રહ્યા છે.
‘ઈરાને ડીલ માનવી જ પડશે’
આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાને યુદ્ધવિરામનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે, પરંતુ તેમને હજુ પણ લાગે છે કે તેઓ શાંતિ કરાર કરાવી શકે છે. ટ્રમ્પે કહ્યું, ‘આ થશે. કોઈને કોઈ રીતે. સારી રીતે અથવા મુશ્કેલ રીતે. આ થઈને જ રહેશે.’ ટ્રમ્પે કહ્યું કે અમે ઈરાનને એક સારી ડીલ ઓફર કરી રહ્યા છીએ. તેમણે આ ડીલ માનવી જ પડશે અને જો નથી માનતા તો પછી તમામ પુલ અને પાવર પ્લાન્ટ્સ પર હુમલા થશે.
અમેરિકા માટે હોર્મુઝ સળગતો મુદ્દો
બીજી તરફ, ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર પોતાનો પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી અમેરિકા તેની નાકાબંધી હટાવતું નથી. મધ્યસ્થી દેશો યુદ્ધવિરામને લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બંને પક્ષોની નાકાબંધીને કારણે પાકિસ્તાનની આગેવાની હેઠળના મધ્યસ્થતાના પ્રયાસો જટિલ બન્યા છે. ઈરાની સંસદના અધ્યક્ષ અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બગેર ગાલિબાફે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે જ્યારે આપણે હોર્મુઝમાંથી પસાર થઈ શકતા નથી, ત્યારે બીજાઓ માટે તેને પસાર કરવું અશક્ય છે. તેમણે અમેરિકન નાકાબંધીની ટીકા કરતા તેને અજ્ઞાનતામાં લેવાયેલો સમજણ વગરનો નિર્ણય ગણાવ્યો હતો. ગાલિબાફે કહ્યું કે ઊંડા અવિશ્વાસ છતાં ઈરાન શાંતિની શોધમાં છે, પરંતુ કૂટનીતિમાં પાછળ હટવાનો કોઈ પ્રશ્ન નથી. ઈરાને શુક્રવારે ઈઝરાયલ-લેબનોન યુદ્ધવિરામ બાદ દરિયાઈ માર્ગ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી, પરંતુ ટ્રમ્પના અમેરિકન નાકાબંધી ચાલુ રાખવાના નિવેદન બાદ ઈરાને પોતાનો પ્રતિબંધ જાળવી રાખ્યો છે.
ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે!
સોમવારે અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચશે, જ્યાં ઈરાન સાથેના દ્વિપક્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે બીજા તબક્કાની તકનીકી સ્તરની વાતચીત થશે જે અંગે ટ્રમ્પે કહ્યું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. તેઓ જલદી અને સરળતાથી નમી જશે અને જો તેઓ સમજૂતી નહીં કરે, તો જે કરવું જરૂરી છે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા 47 વર્ષોમાં બાકીના રાષ્ટ્ર પ્રમુખોઓએ કરવું જોઈતું હતું. હવે સમય આવી ગયો છે કે ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે!



