AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા | raghav chadha z category security centre punjab govt aap conflict

![]()
Raghav Chadha Z Plus Security: આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ હવે સપાટી પર આવી ગઈ છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની Z+ સુરક્ષા પાછી ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને ચઢ્ઢાને Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે.
હવે દિલ્હી અને પંજાબમાં રહેશે તૈનાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાઘવ ચઢ્ઢાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. આ સુરક્ષા વ્યવસ્થા હેઠળ અર્ધલશ્કરી દળોના જવાનો તેમની સાથે રહેશે. મહત્વનું છે કે, આ સુરક્ષા તેમને દિલ્હી અને પંજાબ બંને સ્થળોએ ઉપલબ્ધ થશે. જ્યાં સુધી સુરક્ષાની ઔપચારિકતાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી દિલ્હી પોલીસને તાત્કાલિક સુરક્ષા આપવા સૂચના અપાઈ છે.
આવાજ ઉઠાવી, કિંમત ચૂકવી રાઘવ ચઢ્ઢાનો પલટવાર
પાર્ટી દ્વારા રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેનું શીર્ષક છે ”આવાજ ઉઠાવી, કિંમત ચૂકવી”. ચઢ્ઢાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મને ચુપ કરાવવામાં આવ્યો છે, પરાજિત નહીં. જે લોકો મારા સંસદીય પ્રદર્શન પર સવાલ ઉઠાવે છે તેમને મારો જવાબ છે કે મારું કામ જ બોલશે.
AAP નેતૃત્વ સાથે શા માટે વધ્યો તણાવ?
આમ આદમી પાર્ટીએ ૨ એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવી દીધા હતા. પાર્ટીના સૂત્રો મુજબ, તેમના પર આરોપ છે કે, તેઓ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે આક્રમક રીતે બોલવાનું ટાળતા હતા અને પોતાના પ્રચારમાં વધુ વ્યસ્ત રહેતા હતા. બીજી તરફ, ચઢ્ઢાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે તેઓ સંસદમાં લોકોના મુદ્દા ઉઠાવવા ગયા હતા, હોબાળો કરવા માટે નહીં.
કેન્દ્ર સરકારની તત્પરતા
પંજાબ સરકાર દ્વારા સુરક્ષા પાછી ખેંચવી અને કેન્દ્ર દ્વારા તુરંત સુરક્ષા આપવી, આ ઘટનાક્રમ સૂચવે છે કે રાઘવ ચઢ્ઢા હવે પોતાની જ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે અથવા તો તેમની રાજકીય દિશા બદલાઈ રહી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારની તત્પરતા પણ ખુબ જ સુચક છે.



