નોવો નોર્ડિસ્ક દવાના સંશોધનથી લઈ સપ્લાય ચેઈનમાં એઆઈ ક્રાંતિ લાવશે | Novo Nordisk to revolutionize AI in everything from drug discovery to supply chain

![]()
– દવા કંપનીનીનું ઓપનએઆઈ સાથે જોડાણ
– એઆઈ દવાના સંશોધન, ઉત્પાદન અને કોમર્શિયલ ઓપરેશન ઝડપી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે : સેમ ઓલ્ટમેન
લંડન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દુનિયાભરના ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે ત્યારે હવે દુનિયાની અગ્રણી દવા ઉત્પાદક કંપની નોવો નોર્ડિસ્ક તેના કારોબારને એઆઈ સાથે બદલવાની તૈયારીમાં છે. ઓપનએઆઈ સાથે મળીને નોવો નોર્ડિસ્કે વ્યાપક પ્રમાણમાં ડેટા વિશ્લેષણ કરવા, નવી દવાના કેન્ડિડેટ ઓળખવા અને ઉત્પાદનને વધુ કુશળ બનાવવા માટે એઆઈની તાકાતનો ઉપયોગ કરી ક્રાંતિ લાવવા તૈયારી કરી છે.
વજન ઘટાડવાના ક્ષેત્રમાં યુરોપની અગ્રણી દવા કંપની નોવો નોર્ડિસ્કે મંગળવારે જણાવ્યું કે તે દવાના સંશોધન, ઉત્પાદનથી લઈને કોમર્શિયલ ઓપરેશન સુધીની કામગીરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા તૈયાર છે. આ માટે કંપનીએ એઆઈ કંપની ઓપનએઆઈ સાથે જોડાણ કર્યું છે.
વજન ઘટાડવાના ક્ષેત્રમાં નોવો નોર્ડિસ્ક લોકપ્રિય વેઈટ-લોસ ડ્રગ્સ વીગોવી અને ઓઝેમ્પિક બનાવે છે. આ ક્ષેત્રમાં તેની પ્રતિસ્પર્ધક કંપનીઓ એલી લિલી જેવી કંપનીઓને તીવ્ર સ્પર્ધા પૂરી પાડવા નોવો નોર્ડિસ્ક એઆઈની ટેક્નોલોજીની મદદથી પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે.
કંપનીના સીઈઓ માઈક ડુસ્ટરે કહ્યું કે, આ ભાગીદારીનું લક્ષ્ય વૈજ્ઞાાનિક ટીમોને બદલવાનું નહીં ‘સુપરચાર્જ’ કરવાનું છે. એઆઈ ઈન્ટીગ્રેશનથી કર્મચારીઓની ઉત્પાદક્તા અને પ્રભાવશીલતા વધશે, જેથી ભવિષ્યમાં ભરતીની ગતિ ધીમી થઈ શકે છે, પરંતુ નોકરીઓ નહીં જાય. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને પણ ઉદ્યોગોને બદલવા અને વૈજ્ઞાાનિક શોધને ઝડપી કરવામાં એઆઈની ભૂમિકા પર ભાર આપ્યો છે.
પ્રારંભિક પાયલટ પ્રોગ્રામ રિસર્ચ, ડેવપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને કમર્શિયલ ક્ષેત્રોમાં શરૂ થશે અને ૨૦૨૬ના અંત સુધીમાં સંપૂર્ણપણે એકીકૃત કરવાની યોજના છે.
નોવો નોર્ડિસ્કે પુષ્ટી કરી છે કે આ ભાગીદારીમાં આકરી ડેટા સુરક્ષા, ગવર્નન્સ નિયમ અને માનવીય નિરીક્ષણ સામેલ છે, જે વર્તમાન એઆઈ પ્રોજેક્ટ્સ પર આધારિત છે.



