અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો રૂ.4000 કરોડનો ફટકો, હોર્મુઝ બ્લોક કરવા US એ 10000 સૈનિક ખડક્યા | Iran suffers daily loss of Rs 4000 crore due to US blockade

![]()
– માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજોને અટકાવવા માટે અમેરિકાએ 10 હજાર સૈનિકો ખડક્યા
– અમેરિકા-ઇરાન વચ્ચે વધુ એક મંત્રણા આગામી દિવસોમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે : ટ્રમ્પે તૈયારી બતાવી
– અમેરિકાના પ્રતિબંધ છતાં પણ ચીનનું વેપારી જહાજ હોર્મુઝની ખાડી પસાર કરી ગયું
– લેબનોન અને ઇઝરાયેલ વચ્ચેની શાંતિમંત્રણાથી અમને કોઈ ફેર નહીં પડે હુમલા ચાલુ રહેશેઃ હીઝબુલ્લાહ
Iran vs usa war news : અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ઇરાનને રોજનો રૂ. 4000 કરોડનો ફટકો પડી રહ્યો છે. ઇરાનના અર્થતંત્ર માટે આ નાકાબંધી મોટો ફટકો સાબિત થઈ શકે છે. ટ્રમ્પે 13 એપ્રિલથી ઇરાનની નાકાબંધીની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં ઇરાન સાથેની 21 કલાકની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી ઇરાનની નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજોની નાકાબંધી માટે અમેરિકાએ 10 હજાર સૈનિકો અને જહાજો ખડક્યા છે. જોકે, આ સિવાયના જહાજોને જવા દેવામાં આવે છે.
અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી શરૂ કરી છે ત્યારે ભારતના હજી પણ 15 ટેન્કર ત્યાં ફસાયેલા છે. અત્યાર સુધી ઇરાને ભારતીય જહાજોને છૂટ આપી હોવાથી ઘણા ભારતીય જહાજ હોર્મુઝની ખાડી પાર કરવામાં સફળ રહ્યા છે, પરંતુ હવે અમેરિકાની નાકાબંધીના કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. જો કે ભારતે આશા છોડી નથી અને જહાજોને લાવવાના પ્રયત્ન જારી છે.
જો કે અમેરિકાની નાકાબંધી છતાં પણ અમેરિકા દ્વારા પ્રતિબંધિત ચીની ટેન્કર ંરિચ સ્ટારી નાકાબંધી શરૂ થયા પછી હોર્મુઝ પાર કરનારું પ્રથમ જહાજ બન્યું છે. ઇરાન સાથે કારોબાર કરવાના લીધે ટેન્કર અને તેના માલિક શાંઘાઈ જુઆનરુ શિપિંગ કંપની પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો. ચીની જહાજ પછી બીજું જહાજ લાઇબેરિયાના ધ્વજવાળુ ક્રિસ્ટિયાના કેરિયર ત્યાંથી પસાર થયું હતું. તેણે ઇરાનના બંદર પર મકાઈ અનલોડ કરી હતી. આ સિવાય અન્ય જહાજ કોરોમોસ લારાક આઇલેન્ડ પાસેથી પસાર થયું હતું. જ્યારે યુએસ સેન્ટ્રલ કમાન્ડનો દાવો છે કે કોઈપણ શિપ પસાર થયું નથી.
ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકા-ઇરાન વચ્ચે આગામી મંત્રણા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે છે. જો કે મહદઅંશે તે પાકિસ્તાનમાં યોજાય તેવી પૂરી સંભાવના છે. ટ્રમ્પ અને વેન્સે ડીલની દિશામાં આગળ વધવાના સંકેત પાઠવ્યા છે. આ મંત્રણા આગામી એક કે બે દિવસમાં યોજાઈ શકે છે.
આ દરમિયાન આતંકી સંગઠન હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે લેબનોન-ઇઝરાયેલ વચ્ચેની મંત્રણાની કોઈપણ વાત તેમને લાગુ પડતી નથી. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ૧૯૪૮ પછી પહેેલી વખત સીધી મંત્રણા યોજાઈ રહી છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું છે કે તેઓ કોઈપણ ભોગે હીઝબુલ્લાહનું નિશસ્ત્રીકરણ કરવા માંગે છે. હીઝબુલ્લાહને કેટલા અંશે ખતમ કરી શકાય અથવા તો તેનું નિશસ્ત્રીકરણ કરી શકાય તેના પર જ લેબનોનમાં શાંતિનો આધાર રહેલો છે. આના લીધે જ અમેરિકા-ઇરાન યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલે લેબનોન પર હુમલા જારી રાખ્યા છે. ઇઝરાયેલનો દાવો છે કે ગયા સપ્તાહના હુમલામાં તેણે હીઝબુલ્લાહના 250થી વધુ આતંકીઓને ખતમ કર્યા છે.
આ દરમિયાન ચીને અમેરિકાના હોર્મુઝની નાકાબંધી કરવાના પગલાને જોખમી અને બેજવાબદાર પગલું ગણાવ્યું છે. તેની સાથે તેણે ઇરાનને કોઈપણ પ્રકારની લશ્કરી સહાય પૂરી પાડતા હોવાનો પણ ઇન્કાર કર્યો છે.
રશિયાના વિદેશપ્રધાન પણ અમેરિકા-ઇરાન સંઘર્ષ અંગે ચર્ચા કરવા બૈજિંગ આવ્યા છે.
આ બધા વચ્ચે અમેરિકાના શ્રમવિભાગે જણાવ્યું હતું કે તેનો પ્રાઇસ ઇન્ડેક્સ વધીને ફેબુ્રઆરીના 0.5 ટકાથી વધીને માર્ચ 2025માં ચાર ટકા થયો છે. જ્યારે એનર્જી પ્રાઇસીસ ફેબુ્રઆરીથી 8.5 ટકા વધ્યા છે.
આઇઇએની આગાહી છે કે ઓઇલની માંગ રોગચાળા વખતે ઘટી હતી તેના કરતાં પણ વધુ ઘટશે. આ વર્ષે વાર્ષિક ઓઇલની માંગ વાર્ષિક ધોરણે જોઈએ તો દૈનિક ધોરણે 80000 બેરલનો ઘટાડો નોંધાવશે.
અમેરિકાએ હોર્મુઝની ખાડીની નાકાબંધી શરૂ કરતા તેના વિરોધમાં વૈશ્વિક જનમત બનવા લાગતા અને આંતરરાષ્ટ્રીય દબાણ વધતા અમેરિકાએ ફેરવી તોળ્યુ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે અમેરિકાનું લશ્કર ફક્ત ઇરાનના બંદેરેથી જ નીકળતા જહાજો અને બંદરેે જતાં જહાજોને જ અટકાવશે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજોને નહીં અટકાવે. આ ઘટનાક્રમમાં તેણે ઇરાનના બંદરે છ જહાજોને પરત પણ મોકલ્યા છે. અમેરિકાએ ઇરાનના બધા બંદરોની નાકાબંધી કરવા માટે એક ડઝન યુદ્ધજહાજ, એક ડઝન વિમાનો અને તથા 10 હજારથી પણ વધુ જવાનોને મેદાનમાં ઉતાર્યા છે.



