BIG NEWS: ‘પાકિસ્તાનમાં ઈરાન સાથે આગામી 2 દિવસમાં થઈ શકે છે વાતચીત’, ટ્રમ્પનું મોટું નિવેદન | Trump Hints at Fresh US Iran Talks in Islamabad Praises Pakistan Army Chief Asim Munir

![]()
US President Donald Trump US Iran Talks In Islamabad : અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ફરી વાતચીત શરૂ થવાના સંકેત આપ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પના મતે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં જ બીજી વખત મંત્રણા શરૂ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, ‘આગામી બે દિવસમાં કંઈ થવાનું છે. અમે ત્યાં ફરી જવા ઈચ્છુક છીએ.’ અગાઉ શનિવાર અને રવિવારે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઈ હતી. આ સાથે ટ્રમ્પે પાકિસ્તાની સેનાના વડા, ફીલ્ડ માર્શલ આસિમ મુનીરના વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ‘વાતચીતના ટેબલ પર મુનીર સારો વ્યવહાર કરી રહ્યા છે. તેઓ ખુબ જ શાનદાર છે. આ જ કારણે અમે ફરી ત્યાં જવા ઈચ્છુક છીએ.
ઈરાન સમજૂતી માટે બેચેન : ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
આ પહેલા ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, ઈસ્લામાબાદમાં વાર્તા અટક્યા બાદ ઇરાને ફરીથી અમેરિકાનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પના મતે ઇરાન આર્થિક દબાણ અને સંઘર્ષને કારણે હવે સમજૂતી કરવા માટે ઉત્સુક છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકા ક્યારેય ઇરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં. જો ઇરાન શરતો માનવા તૈયાર હશે, તો જ તેઓ રૂબરૂ મુલાકાત કરશે.
21 એપ્રિલે યુદ્ધવિરામ પૂર્ણ થશે
અમેરિકા અને ઇરાન વચ્ચે હાલમાં બે અઠવાડિયાનું અસ્થાયી સીઝફાયર ચાલી રહ્યું છે, જે 21 એપ્રિલે પૂર્ણ થવાનું છે. જો આ સમયગાળા પહેલા કોઈ સમજૂતી નહીં થાય, તો પશ્ચિમ એશિયામાં ફરીથી યુદ્ધના વાદળો ઘેરાઈ શકે છે. પરમાણુ કાર્યક્રમ જ બંને દેશો વચ્ચેના વિવાદનું મુખ્ય કેન્દ્ર છે. અગાઉની બેઠકમાં અમેરિકા 20 વર્ષ સુધી પરમાણુ પ્રોગ્રામ ફ્રીઝ કરવા માંગે છે, જ્યારે ઇરાન માત્ર ૫ વર્ષની વાત કરી રહ્યું છે. ઇસ્લામાબાદમાં બંને દેશો એકબીજાની શરતો પર સહમત થઈ શક્યા નહોતા, જેને કારણે વેન્સે બેઠક સ્થગિત કરી હતી.
આ પણ વાંચો : અમેરિકા-ઈરાનને શાંત પાડવા ફ્રાન્સે 3 શરતોનો માસ્ટર પ્લાન બનાવ્યો, પેરિસમાં યોજાશે બેઠક
શા માટે આ બેઠક મહત્વની છે?
જો સકારાત્મક પરિણામ આવશે તો જ 21 એપ્રિલ પછી યુદ્ધવિરામ લંબાવવામાં આવશે. અન્યથા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી અને તેલના પુરવઠા પર તેની ગંભીર અસર પડી શકે છે. વૈશ્વિક સમુદાય પણ આ બેઠક પર મીટ માંડીને બેઠો છે કારણ કે તેલના વધતા ભાવ અને આર્થિક સ્થિરતાનો આધાર આ શાંતિ વાર્તા પર છે.
ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણામાં શું થયું?
અમેરિકા-ઈઝરાયેલે ઈરાન પર 28 ફેબ્રુઆરીથી હુમલાઓ શરૂ કરીને ભયાનક યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યાર પછી 8મી એપ્રિલે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાને મધ્યસ્થીની જવાબદારી માથે લીધી હતી, જેમાં આ યુદ્ધવિરામને ટકાવી રાખવા માટે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે શનિવાર અને રવિવારે (તા.11-12) સતત બેઠકોનો દોર ચાલ્યો હતો. ઈસ્લાબાદમાં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી. શનિવારે અને રવિવારે યોજાયેલી બેઠકમાં 21 કલાક સુધી વાતચીત ચાલી હતી, જોકે મંત્રણા નિષ્ફળ ગઈ હતી. બંને દેશો મતભેદ દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા.



