दुनिया

Explainer: યુરોપના 29 દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત, જાણો ડિજિટલ એન્ટ્રી અને એક્ઝિટના નવા નિયમો | EU Ends Passport Stamps: New EES Travel Rules Explained for 29 Countries


EU Ends Passport Stamps: યુરોપિયન યુનિયને વિઝાને લગતા નિયમોમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. હવે યુરોપના દેશોમાં જતા પ્રવાસીઓએ EES સિસ્ટમ અનુસરવી પડશે, જેમાં પાસપોર્ટ પર સ્ટેમ્પ નહીં મારવામાં આવે, પરંતુ આંગળીના નિશાન અને ચહેરાનો ફોટો લેવામાં આવશે. આ નવી પદ્ધતિ 10 એપ્રિલ, 2026થી 29 દેશમાં સંપૂર્ણપણે અમલમાં આવી ગઈ છે.

શું છે EES સિસ્ટમ?

EES એટલે એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ. આ એક ડિજિટલ સિસ્ટમ છે, જે શેંગેન વિઝા પર આવતા-જતા યુરોપિયન યુનિયનના ન હોય તેવા મુસાફરોની નોંધ રાખે છે. તે તમારો ચહેરો, આંગળીના નિશાન અને પાસપોર્ટની માહિતી સ્કેન કરીને મૂકી દે છે. આ સિસ્ટમ હેઠળ પાસપોર્ટ પર સ્ટેમ્પની જરૂર જ નહીં રહે.  

કોને લાગુ પડે છે આ નિયમો?

આ નિયમો ટૂંકા ગાળા માટે (સામાન્ય રીતે 90 દિવસથી ઓછો સમય) મુસાફરી કરતા બધા બિન યુરોપિયન નાગરિકો માટે છે. એટલે કે, ભારત અને અમેરિકા સહિત યુરોપિયન યુનિયનની બહારના લગભગ તમામ દેશના નાગરિકોને આ નિયમ લાગુ પડે છે. યુરોપિયન યુનિયનના નાગરિકો, ત્યાંના કાયમી રહેવાસીઓ અને લાંબા ગાળાના વિઝા ધારકોને તેમાંથી મુક્તિ મળે છે. આયર્લેન્ડ અને સાયપ્રસ પણ આ સિસ્ટમનો ભાગ નથી.

EU EES system explained

પ્રવાસીઓનો કયો ડેટા લેવાશે?

આ 29 દેશની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓનો પાસપોર્ટ સ્કેન કરાશે, ડિજિટલ ફોટો લેવાશે અને બધી 10 આંગળીના નિશાન પણ લેવાશે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આંગળીના નિશાન આપવાની જરૂર નથી, પરંતુ તેમનો ફોટો લેવાશે. જો કોઈ આ ડેટા આપવાનો ઇનકાર કરે, તો તેને યુરોપમાં પ્રવેશ નહીં મળે. પ્રવાસીઓની આ બાયોમેટ્રિક માહિતી સિસ્ટમમાં 3 વર્ષ સુધી સાચવી રાખવામાં આવશે.

Explainer: યુરોપના 29 દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત, જાણો ડિજિટલ એન્ટ્રી અને એક્ઝિટના નવા નિયમો 3 - image

શું દરેક મુલાકાત વખતે વિગતવાર નોંધણી કરાશે?

એક વાર નોંધણી થઈ ગયા પછીની મુલાકાતો વખતે પ્રવાસીએ ફક્ત આંગળીના નિશાન અથવા ચહેરો બતાવવાનો રહેશે. આ રીતે પ્રવાસીઓની મુસાફરી ઝડપી બની જશે. આ સિસ્ટમનું સંચાલન EU-LISA સંસ્થા કરે છે, જે યુરોપના ડેટા સુરક્ષા નિયમોનું પાલન કરે છે.

અત્યાર સુધી કેટલા લોકોની નોંધણી થઈ?

આ સિસ્ટમ 12 ઓક્ટોબર, 2025થી તબક્કાવાર શરૂ કરાઈ હતી. યુરોપિયન કમિશનના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 4.5 કરોડથી વધુ આવાગમનની નોંધણી થઈ ચૂકી છે. આ સિસ્ટમને કારણે 24,000થી વધુ લોકોને પ્રવેશ નકારવામાં આવ્યો છે અને 600થી વધુ લોકોને સુરક્ષાની દૃષ્ટિએ જોખમી ઠેરવવામાં આવ્યા છે.

Explainer: યુરોપના 29 દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત, જાણો ડિજિટલ એન્ટ્રી અને એક્ઝિટના નવા નિયમો 4 - image

આમ છતાં લાંબી કતારોની શક્યતા

જો તમે નજીકના ભવિષ્યમાં યુરોપ જવાના હોવ, તો તમારે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે તૈયાર રહેવું પડશે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશને ચેતવણી આપી છે કે, આ સિસ્ટમથી વ્યસ્ત સમયમાં 3 કલાક સુધીની કતાર લાગી શકે છે. તેમણે દાવો કર્યો છે કે, આ કારણસર ઇટાલીના પીસા એરપોર્ટ પર હાલમાં જ કેટલાક લોકોએ 5 કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું.

શું મોબાઇલ એપ્લિકેશન ઉપયોગી છે?

હા, યુરોપિયન બોર્ડર એન્ડ કોસ્ટ ગાર્ડ એજન્સી ફ્રન્ટેક્સે ‘ટ્રાવેલ ટુ યુરોપ’ નામની એપ બનાવી છે, જેમાં તમે યુરોપ પહોંચતાના 72 કલાક પહેલાં તમારો પાસપોર્ટ ડેટા અને ચહેરાનો ફોટો અપલોડ કરી શકો છો. હાલ આ એપ ફક્ત સ્વીડન અને પોર્ટુગલમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે બીજા દેશોમાં પણ ઉપલબ્ધ થઈ જશે. જો કે, તેનો ઉપયોગ કરશો તો પણ પહેલી વખતની ફરજિયાત સરહદી તપાસમાંથી તો પસાર થવું જ પડશે. 

Explainer: યુરોપના 29 દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત, જાણો ડિજિટલ એન્ટ્રી અને એક્ઝિટના નવા નિયમો 5 - image

EES પછી આગળ શું આવશે?

EES પછી યુરોપિયન યુનિયન ‘યુરોપિયન ટ્રાવેલ ઇન્ફોર્મેશન એન્ડ ઓથોરાઇઝેશન સિસ્ટમ’ એટલે કે ETIAS શરૂ કરશે. વર્ષ 2026ના અંતમાં શરૂ થનાર આ સિસ્ટમ હેઠળ વિઝા-મુક્ત દેશોના પ્રવાસીઓ (જેમ કે બ્રિટિશ નાગરિકો)ને 20 યુરોની ફી ભરીને ઓનલાઇન મંજૂરી લેવી પડશે. 18 વર્ષથી ઓછા અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફીમાંથી મુક્તિ મળશે. EES અને ETIAS બંને મળીને યુરોપની સરહદોને વધુ સુરક્ષિત બનાવશે.

યુરોપિયન દેશોમાં જતા મુસાફરો માટે કેટલાક સૂચન

– યુરોપની મુલાકાત પહેલીવાર લો, ત્યારે તપાસ માટે વધારાનો સમય લઈને જવું. ઓછામાં ઓછા 3-4 કલાકની ગણતરી રાખવી. 

– શક્ય હોય તો ‘ટ્રાવેલ ટુ યુરોપ’ એપનો ઉપયોગ કરો.

– ડોવર બંદર, યુરો-ટનલ અને યુરો-સ્ટાર જેવા સ્થળોએ EES કિઓસ્ક લગાવાયા છે, ત્યાં સમયસર પહોંચો.

– તમારા બાળકોના દસ્તાવેજો સાથે રાખો, ભલે તેમને આંગળીના નિશાન ન લેવાતા હોય.



Source link

Related Articles

Back to top button