રાજ્યમાં શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ: છતાં અમદાવાદની 30થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કામગીરી અટવાઈ

અમદાવાદ: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ થઈ છે પરંતુ અમદાવાદની 30થી વધુ શાળાઓમાં આ શૈક્ષણિક કામગીરી અટવાઈ છે. જેનું મુખ્ય કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશનના અભાવે શાળાઓ સીલ કરવાની કરાયેલ કામગીરી. શાળાઓને તાળા વાગી જતા ધોરણ10 અને ધોરણ 12ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે.
કોરોના મહામારીને કારણે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. 100 ટકા કર્મચારીઓ સાથે શાળાઓ કાર્યરત થઈ છે. સાથે જ એકપણ બાળકને શાળા ખાતે ના બોલાવવા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને નવી સૂચના ના મળે ત્યાં સુધી ફરજીયાત ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું કહેવાયું છે. જોકે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં શહેરની 30થી વધુ શાલાઓમાં વિવિધ પ્રકારની કામગીરી અટકી પડી છે.