કઠલાલ-મહુધા રોડ ઉપર વડથલના રઈજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાનાં મોત | Two women died after a rickshaw overturned near Raijipura in Vadthal on Kathlal Mahudha road

![]()
– કપડવંજના મુસ્લિમ બિરાદરો રામના મુવાડા પીર ભડીયાદ દરગાહના ઉર્સમાં જતા હતા
– મૃતદેહોને મહુધા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
નડિયાદ: કપડવંજ શહેરના મુસ્લિમ પરિવારના લોકો રામના મુવાડા પીર ભડીયાદ દરગાહના ઉર્સમાં જતા હતા. આ દરમિયાન કઠલાલ-મહુધા રોડ ઉપર રઇજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાઓના મોત નિપજ્યાં હતા, જ્યારે એક મહિલા ગંભીર હોવાથી સારવાર હેઠળ છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરો અને રિક્ષા પાછળ અથડાયેલી બાઈક પર જતા લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતદેહોને મહુધા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. મહુધા પોલીસ દ્વારા આ અકસ્માત મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એક મહિલા સારવાર હેઠળ ઃ રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરો અને રિક્ષા પાછળ અથડાયેલી બાઈક પર જતા લોકોને પણ ઈજા પહોંચી
મહુધા તાલુકાના રામના મુવાડાના પીર ભડીયાદ ખાતે મહેમુદસા બુખારી બાવાની દરગાહ ખાતે ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ત્યારે કપડવંજ શહેરના મુસ્લિમ સમાજના લોકો ગુરૂવારે સાંજે રિક્ષામાં રામના મુવાડા પીર ભડીયાદના ઉર્સમાં જઈ રહ્યાં હતા. આ રિક્ષા કઠલાલથી મહુધા તરફ જઈ રહી હતી. ત્યારે વડથલના રઇજીપુરા નજીક રિક્ષા પલટી ગઈ હતી. આ દરમિયાન તેની પાછળ આવતી મોટરસાયકલ પણ રિક્ષા પાછળ અથડાઈ હતી. જેથી બંને વાહનોનો ભુક્કો બોલાઈ ગયો હતો. અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા મુસાફરોને તેમજ બાઈક પર જઇ રહેલા યુવાનોને ઇજા થઈ હતી. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત્મમાં ગંભીર રીતે ઈજા પામેલા નસરીનબાનુ નવાબબેગ મિર્ઝા અને તમન્ના નવાબબેગ મિર્ઝાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત મહેરાજબીબી મહેબૂબબેગ મિર્ઝાને સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવની જાણ થતા મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતદેહોને મહુધા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. મહુધા પોલીસ દ્વારા આ અકસ્માત મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


