गुजरात

હથિયાર લાઇસન્સ કેસ: ચાર દિવસના રિમાન્ડ બાદ કે. રાજેશને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા

હથિયાર લાઇસન્સ કેસમાં ચાર દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર અન સસ્પેન્ડ આઇએએસ કે.રાજેશને સીબીઆઇની સ્પેશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આ કેસમાં વધુ તપાસ બાકી હોવાથી વધારાના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટ રિમાન્ડ અરજી નકારીને કે. રાજેશને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કર્યો હતો. સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી કે.રાજેશે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના હોદાનો દુરઉપયોગ કરીને ૧૦૦થી વધારે હથિયારોના લાઇસન્સ ઇસ્યુ કરવાની સાથે નાણાંકીય માંગણી કરીને ભ્રષ્ટચાર કર્યો હતો. જે કેસમાં સીબીઆઇએ ધરપકડ કર્યા બાદ ચાર દિવસના રિમાન્ડ મેળવીને કેસને લગતા વિવિધ પાસાઓ અંગે પુછપરછ કરી હતી. જેમાં લાઇસન્સ ઇસ્યુ કરીને ગેરકાયદેસર રીતે લીધેલા નાણાંના રોકાણ અને તેની સાથે જોડાયેલા અન્ય શકમંદો અંગે પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સોમવારે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હથિયારના લાઇસન્સ સંબધિત તપાસની બીજી બાબતોના તપાસ માટે વધુ ૧૦ દિવસના રિમાન્ડ અરજી મુકવામાં આવી હતી. જો કે તે કોર્ટે ગ્રાહ્ય રાખી નહોતી અને કે. રાજેશને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો ઓર્ડર કર્યો હતો. સાથેસાથે કેસની તપાસમાં જરૂર જણાય ત્યારે નિવેદન નોંધવા કે પુછપરછ કરવા માટે કહ્યું હતું. જો કે કે. રાજેશ વિરૂધ્ધ હજુ જમીન કૌભાંડને લગતી તપાસ પણ ચાલી રહી છે. જેમાં આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Related Articles

Back to top button