ગુજરાત રાજ્યમાં 1000 પશુઓ આવ્યા લમ્પી વાયરસની ચપેટમાં
કોરોના વાયરસથી માણસો પર આફત આવી પડી હતી તેમ સૌરાષ્ટ,કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પશુઓ પર લમ્પી વાયરસની આફત આવી પડી છે. આ વાયરસની લપેટમાં 1000 જેટલા પશુઓના મોત થયા હોવાનું માનવામાં આવે છે. લમ્પીનું નામ સાંભળતા જ પશુપાલકોમાં ભય ફેલાઇ રહયો છે. પશુઘન કયાંક તેનો ભોગ બને તો નુકસાન ના વેઠવું પડે તેવી ચિંતા સતાવી રહી છે. જો કે રાહતની વાત એ છે કે આ વાયરસ પશુઓમાંથી માણસમાં ફેલાતો નથી. લમ્પી પશુઓમાં થતો ચામડીનો રોગ છે. જે કેપ્રીપોક્ષ નામના વાયરસથી થાય છે આને લમ્પી વાયરલ પણ કહેવામાં આવે છે. મોટે ભાગે આ ચેપી રોગ ગાયોમાં જોવા મળ્યો છે. ગાયના શરીર પર માખી, મચ્છર, ઇતરડી બેસે તે રોગની વાહક બને છે. બે પશુઓ એક બીજાના સીધા સંપર્કમાં આવે તો પણ ચેપ લાગે છે. જે કેપ્રીપોક્ષ વાયરસ પશુના શરીરમાં દાખલ થયા પછી એક અઠવાડિયામાં ચિહ્નો દેખાવા લાગે છે. પશુઓ ખાવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું ખાય છે. ચામડી પર ફોલા જેવી ગાંઠો ફેલાય છે. શરીરનું તાપમાન વધી જાય છે. રોગ પ્રતિકારકશકિત ઓછી થાય છે. પશુઓને આ રોગમાંથી મુકત થતા 2 થી 3 જેટલા અઠવાડિયા થાય છે. દૂધાળ પશુઓનું દૂધ ઉત્પાદન ખૂબ ઘટી જાય છે. જો યોગ્ય કાળજી અને સારવાર ના રાખવામાં આવે તો પશુઓ માટે લમ્પી વાયરસ જીવલેણ બને છે.