માજી સૈનિકો વિવિધ માંગ સાથે સોમવારથી ગાંધીનગર ખાતે મોટાપાયે આંદોલન શરૂ કરશે
માજી સૈનિકોને જમીન, સરકારી નોકરીમાં અનામત જેવી અનેક માંગણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા હવે માજી સૈનિકોનું સંગઠન સોમવારથી ગાંધીનગર ખાતે મોટાપાયે આંદોલન શરૂ કરશે. જેમાં સવારથી માજી સૈનિકો અને સમર્થકોને પરિવાર સાથે ગાંધીનગર પહોંચવા માટે જણાવવામાં આવ્યું છે. સાથેસાથે હવે માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીનગર નહી છોડવા માટે પણ કહેવાયુ છે. માજી સૈનિકોને સેનામાંથી નિવૃતિ બાદ રાજ્ય સરકાર દ્વારા શહીદ પરિવારને કરોડની સહાય, નોકરીમાં ૧૦ ટકા અનામત, જમીન, મેડીકલ, જેવી ૧૪ જેટલા લાભ આપવાના હોય છે. પરંતુ, ગુજરાત સરકાર દ્વારા આ માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવતા માજી સૈનિકોએ થોડા મહિના પહેલા આંદોલન કર્યું હતું.
જેમાં સરકારે સૈનિકોના સંગઠન સાથે મીટીંગ કરીને માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જો કે ત્રણ મહિના બાદ પણ માંગણી પૂર્ણ કરવામાં આવી નહોતી. જેથી માજી સૈનિક સંગઠને હવે ગાંધીનગરમાં સરકાર સાથે આરપારની લડાઇની જાહેરાત કરી છે. જેમાં માજી સૈનિકોને પરિવાર અને સમર્થકો સાથે સોમવારે સવારે પાંચ વાગ્યાથી ગાંધીનગર સચિવાલય પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે કહેવામં આવ્યું છે કે તમામને તેમના ડ્રેસમાં આવવું, તેમજ વધારાના કપડા, છત્રી , પાવર બેંક, વગેરે લાવવા કહેવાયું છે. આમ, હવે આંદોલન ઘણા દિવસો સુધી ચલાવવાના એંધાણ પણ આપવામાં આવ્યા છે.