गुजरात

રશિયા-યૂક્રેન તંગદિલી વચ્ચે રાજધાની કીવમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા, ફ્લાઇટમાં આવવાના હતા પરત

રશિયાએ યૂક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ યૂક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે યૂક્રેનની રાજધાની કીવમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. કીવ એરપોર્ટ પર ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા છે. નોંધનીય છે કે, ગુજરાતનાં 400થી 500 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

ફસાયેલા વિદ્યાર્થીઓની હતી આજે ફ્લાઇટ

યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કિવ એરપોર્ટ બંધ કરાતા ગુજરાતના વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે 9.45 વાગ્યાની ફ્લાઈટમાં આ વિદ્યાર્થીઓ પરત આવવાના હતા. પરંતુ ત્યાં એરપોર્ટ બંધ કરાતા વાલીઓએ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગેની રજૂઆત કરી છે.

અરવલ્લીનો યુવક પણ ફસાયો

યુક્રેનમાં અરવલ્લીનો એક યુવક પણ ફસાયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ યુવાન યુક્રેનના ટરનોપીલ સિટીમાં અભ્યાસ માટે ગયો હતો. ફસાયેલા યુવક ભાવેશ બાબભાઈ વણઝારાએ મદદની પોકાર કરી છે.

કાયદામંત્રીએ વિદ્યાર્થીઓને પરત લાવવા આપી ખાત્રી

મળતી માહિતી પ્રમાણે, યૂક્રેનમાં વડોદરાના 4 સહિત ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ સામે આવ્યું છે. ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓના વાલીઓએ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાંસદ રંજનબેન ભટ્ટને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રજૂઆત કરી છે.

Related Articles

Back to top button