માનવતાની મહેંક : કેન્સર પીડિતોની મદદ માટે પાટડીની યુવતીએ મુંડન કરાવી કર્યું વાળનું દાન
પ્રેરણા : માથાના વાળ એ સ્ત્રીની સુંદરતાનું ઘરેણું છે. લાંબા કાળા વાળ માટે સ્ત્રીઓને અનેરો લગાવ હોય છે. પરંતુ અહીં એક એવી યુવતીની વાત છે કે જેણે પોતાની સુંદરતાની પરવા કર્યા વિના માનવતા મહેંકવાતું કાર્ય કર્યું છે. હું એક સ્ત્રી છું અને સ્ત્રીની પીડા અનુભવી શકું છું. આ ભાવ સાથે પાટડીની યુવતીએ કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે પોતે માથે મૂંડન કરાવી પોતાના વાળનું દાન કરી માનવતાની મિસાલ પુરી પાડી છે.
પાટડીના પાંચહાટડી વિસ્તારમાં આવેલા અધ્યારૂના ડહેલામાં રહેતી વૃત્તિ મુકેશભાઇ અધ્યારૂ એમ.એ. ઇંગ્લીશ, પીજીડીસી કરેલી યુવતી છે. તેમને એક સદકાર્યના હેતુથી પોતાના લાંબા કાળા વાળ અને લટો કેન્સરથી પીડિત માથાના વાળ ગુમાવી ચૂકેલી બહેનો માટે પાટડી ભાણાભાઇ વાણંદના સલૂનમાં વાળનું દાન કરી આજના હળાહળ કળયુગમાં પણ માનવતાની અનોખી મિસાલ પુરી પાડી છે.
પાછલા ઘણા સમયથી વૃત્તિને માનવ સેવા માટે કાંઇક કરવાની ઇચ્છા હતી અને ઈન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ પરથી માહિતી મેળવી અને “મદાત ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઇ”ને પસંદ કરી હતી. અને ત્યાંથી એજ્યુકેશન ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ( વિસનગર- જી.મહેસાણા )નો સંપર્ક કરવા જણાવાયું હતુ.