गुजरात

ગુજરાતીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર: ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચવાની છે આગાહી

અમદાવાદ: રાજ્યમાં ધીરે ધીરે શિયાળાનું પ્રભુત્વ ઓછું થઇ રહ્યું છે અને ગરમી વધી રહી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીથી ડબલ સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. હજુ આગામી બે દિવસ ડબલ સિઝન યથાવત્ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહિ મળે. આ સાથે અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. જેના લીધે લોકોને ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અનુભવ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં પણ વધારો થશે જેના લીધે ઠંડીની અસર ઓછી થઇ શકે છે.

રાજ્યમાં હવામાનની વાત કરીએ તો, રવિવારે રાત્રિએ 11 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે રવિવારે દિવસ દરમિયાન 35.5 ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં ગત રાત્રિએ 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તો આગાહી પ્રમાણે, આગામી બે દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયાને આપેલી જાણકારી પ્રમાણે, માર્ચથી 31 માર્ચ વચ્ચે હવામાનમાં ઘણા પલટા આવશે. આ સાથે, ફેબ્રુઆરી 24થી 26 દરમિયાન મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતનું હવામાન બદલાઈ શકે છે. વરસાદ પણ પડી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆત સુધીમાં પુનઃ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલનની શક્યતાઓ રહેશે. માર્ચ માસમાં લઘુતમ ઉષ્ણતામાનનો આંક 36થી 38 ડિગ્રી સુધી થઇ શકે છે. માર્ચ માસમાં ગુજરાતના હવામાન પર તેની અસર રહેશે અને ગુજરાતમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતાઓ ફેબ્રુઆરી કરતાં વધુ રહેશે.

Related Articles

Back to top button