गुजरात

કેશુભાઈથી સી.આર. પાટીલ સુધી, જાણો અત્યાર સુધી કોને-કોને મળ્યો છે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ

ભારતીય જનતા પાર્ટીમાં (BJP)13માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની (C.R. Patil) વરણી કરવામાં આવી છે. ભાજપે પ્રથમ વખત બિન ગુજરાતી પ્રમુખ બનાવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં પાંચ પાટીદાર પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. જયારે બે ક્ષત્રિય અને બે ઓબીસી પ્રમુખોની નિમણૂક કરી છે.

જનસંઘ પાછળથી ભારતીય જનતા પાર્ટી બનતાની સાથે જ કેશુભાઇ પટેલની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી. કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપની સરકારના પહેલા મુખ્યમંત્રી પણ બન્યા હતા. ત્યારબાદ બીજા પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી આવતા એ. કે. પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જનસંઘમાંથી જયારે ભારતીય જનતા પાર્ટી બની ત્યારે સમગ્ર દેશમાં લોકસભાની જે બે સીટી આવી હતી તેમાં ગુજરાતના મહેસાણા સીટ પરથી એ. કે. પટેલ લોકસભામાં ગયા હતા. ત્રીજા પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણાને બનાવામાં આવ્યા હતા.

ચોથા પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાને બનાવવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ જ ભાજપ સરકાર સામે વિદ્રોહ કરી રાજપા બનાવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં તેમને કેન્દ્રીયમંત્રી અને વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી જન વિકલ્પ નામની પાર્ટી બનાવી હતી. ત્યાર બાદ વર્ષ 2019 લોકસભા ચૂંટણી પહેલા એનસીપીમાં જોડાયા હતા. હાલ કોઇ રાજ્ય પક્ષ સાથે જોડાયા નથી.

ભાજપના પાંચમા પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી દક્ષિણ ગુજરાતના ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણાને બીજી વખત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપવામાં આવી હતી. છઠ્ઠા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂત નેતા વજુભાઇ વાળાને પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા હતા. સાતમા પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના નેતા રાજેન્દ્રસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી હતી. રાજેન્દ્રસિંહ રાણાને બે વખત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવામાં આવ્યા હતા.

આઠમાં પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી વજુભાઇ વાળા જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે જ વજુભાઇ વાળા ગુજરાત ભાજપમાં બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા હતા. નવમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાને જવાબદારી આપવામાં આવી હતી. પુરષોત્તમ રૂપાલા પણ બે ટર્મ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. દસમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના નેતા આર.સી.ફળદુને જવાબદારી સોંપાઇ હતી. તેઓ બે ટર્મ પ્રદેશ પ્રમુખ રહ્યા.

અગિયારમા પ્રદેશ પ્રમુખ તરીકે જૈન સમાજમાંથી આવતા વિજય રૂપાણીને જવાબદારી સોંપાઈ હતી. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું. આ પછી બારમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના નેતા જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઇ હતી. જીતુ વાઘાણીના જ સમય ગાળામાં રાજ્યમાં પાટીદાર આંદોલન ચરમસીમા પર હતું અને વર્ષે 2017ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડવામાં આવી. ભાજપ આ બંને ચૂંટણીઓ જીતી હતી.

આ સાથે જ હવે ભાજપે પોતાના 13માં પ્રદેશ પ્રમુખની તરીકે સી.આર. પાટીલની નિમણૂક 20 જુલાઈ 2020ના રોજ કરી છે. જો જ્ઞાતિ પ્રમાણે વિશ્લેષણ કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભાજપના પાટીદારોને સૌથી વધુ પ્રદેશ પ્રમુખ પદ મળ્યું છે. બે વખત ક્ષત્રિય અને બે વખત ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બન્યા છે. એક વખત જૈન સમાજમાંથી પ્રદેશ પ્રમુખ નિમાણા છે. ત્યારે હવે પ્રથમ બિન ગુજરાતી અને મરાઠી સમાજમાંથી આવતા સી.આર. પાટીલની પસંદગી કરવામાં આવી છે.

Related Articles

Back to top button