गुजरात

દ્વારકા દર્શન કરીને પરત ફરતા અમદાવાદના પરિવારનો અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

દેવભૂમિ દ્વારકા : દ્વારકા -લીંબડી હાઇવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. દ્વારકાથી 15 કિલોમીટર દૂર ચરકલા પાસે આંબલિયાર ચોકડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળક ઇજાગ્રસ્ત થયો છે. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

પરિવાર દ્વારકા દર્શન કરી પરત ફરી રહ્યો હતો

અમદાવાદનો પરિવાર દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ચરકલા નજીક અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે ભયાનક અકસ્માત થતા એક કાર રસ્તા પરથી સાઈડમાં ઉતરી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં રોનક વિજયભાઈ રાજપૂત, પૂજા રોનક રાજપૂત, મુધુબેન વિજયભાઈ રાજપૂત અને ભૂમિબેન અલ્પેશભાઈ ચૌધરીના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

12 વર્ષીય બાળકનો ચમત્કારિક બચાવ થયો

12 વર્ષીય બાળક રુદ્રનો અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે. બાળકને પગમાં ઈજા થતા પહેલા દ્વારકા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. જ્યાંથી વધુ સારવારની જરુર પડતા જામનગર ખસેડવામા આવ્યો છે.

કઠલાલ કપડવંજ રોડ પર અકસ્માતમાં પાંચ યુવાનોના મોત

આ સિવાય કઠલાલ કપડવંજ રોડ પર ગુરૂવારે મોડી રાતે ટેન્કર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગવમખાર અકસ્માત થયો હતો. પોરડા પાટિયા નજીક થયેલા આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ પાંચ મૃતકોમાં માંથી ત્રણ સુરેન્દ્રનગર જિલ્લાના અને બે અમદાવાદ જિલ્લાના રહેવાસી હતા. આ પાંચ યુવાનો ગામની કોઈ છોકરી ગુમ થઇ ગઇ હતી તેને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે જ આ અકસ્માતમાં યુવાનો કાળનો કોળિયો બની જતા તમામ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મૃતકોમાં સુરેશ ભાઈ ચમન ભાઈ મેણીયા, વિક્રમભાઈ બાબુભાઈ ભાભરીયા, પ્રભુભાઈ હીરાભાઈ બખોડિયા, ભરતભાઈ કેસાભાઈ જમોડ અને સુનીલ ભાઈ હરિભાઈ કુમાંદરાનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button