गुजरात

ધો. 10ના વિદ્યાર્થીઓને ગણિતમાં મળશે બે વિકલ્પ, સમજો કેમ આ નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં બે પ્રશ્નપત્રનો વિકલ્પ મળશે એટલે વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક બેઝિક એમ બે પ્રશ્નપત્રના વિકલ્પ મળશે. જેમાં વિદ્યાર્થીઓ જાતે જ નક્કી કરશે કે કયુ પેપર તેમને આપવું છે. આ પદ્ધતિ આગમી માર્ચ 2022ની બોર્ડ પરીક્ષામાં અમલી થશે. આ માટે ગણિતનું પાઠય પુસ્તક અને સ્કૂલોમાં ભણાવવાની પદ્ધતિ એક જ રહેશે. આ નિર્ણય બાદ અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો હશે કે, જેવા કે, કઇ રીતે નક્કી કરવું વિદ્યાર્થી માટે કયો વિકલ્પ સારો છે? શાળા તો શરૂ થઇ ગઇ હવે શું? આ તમામ સવાલનાં જવાબ અહીં આપવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે તો એકવાર તેની પર નજર કરી લો.

કોણ કયા વિકલ્પની પસંદગી કરી શકે?
આ નિર્ણય બાદ અનેક વાલી અને વિદ્યાર્થીઓમાં ઘણું જ અવઢવ પણ જોવા મળી રહ્યું છે. તેમના મનનાં સવાલના જવાબમાં જણાવીએ કે, જે વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડની પસંદગી કરશે તેઓ ધોરણ-11 સાયન્સ અથવા કોમર્સમાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે મેથેમેટિક્સ બેઝિકની પસંદગી કરનારા વિદ્યાર્થીઓ ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે. જો વિદ્યાર્થીએ ધોરણ-10માં બેઝિક પરીક્ષા પાસ કરી હોય અને તેને સાયન્સ લેવું હોય તો પણ વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સાયન્સ લેવા માંગતા હોય તો તેઓએ જુલાઈ મહિનામાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડની પૂરક પરીક્ષા પાસ કરીને સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થી મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડમાં નાપાસ થાય તો પૂરક પરીક્ષાથી મેથેમેટિક્સ બેઝિક કે સ્ટાન્ડર્ડની પણ પસંદગી કરી શકશે.

બોર્ડ પરીક્ષાના ફોર્મમાં બંને પેપરના વિકલ્પ અપાશે

બોર્ડ પરીક્ષાના ફોર્મમાં બંને પેપરના વિકલ્પ અપાશે. ઉપરાંત બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૂપ અલગ અલગ રહેશે. બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામા આવશે.

ભણાવવાની પદ્ધતિમાં કોઈ ફેર નહી પડે

જોકે, અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓનાં મનમાં એક સવાલ એ પણ છે કે, શાળા તો શરૂ થઇ ગઇ હવે વિકલ્પ કઇ રીતે કરીશું. સરકારે શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થયાના દોઢ મહિના બાદ આ નિર્ણય લીધો છે. આનો જવાબ એ છે કે, બોર્ડના પરિપત્ર મુજબ બે ગણિતની પદ્ધતિમાં પાઠય પુસ્તક એક જ રહેશે અને સ્કૂલોમાં શિક્ષકોએ ભણાવવાની પદ્ધતિમાં કોઈ ફેર નહી પડે.

Related Articles

Back to top button