સુરત: પતિએ કામવાળી રાખવાની ના પાડતા પત્નીએ કર્યો આપઘાત, બે માસની પુત્રીએ ગુમાવી માતા

સુરત: શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સિટીલાઇટ વિસ્તારમાં પત્નીએ પતિ સાથે કામવાળી રાખવા બાબતે ઝઘડો થતા આપઘાત (wife suicide) કરી લીધો છે. નોંધનીય છે કે, આ દંપતીની બે મહિનાની પુત્રી પણ છે. પત્નીએ પતિને કામવાળી રાખવા કહ્યું પરંતુ પતિએ ના પાડતા તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેનાથી કંટાળીને પત્નીએ એપાર્ટમેન્ટના ચોથા માળે ધાબેથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હતુ. હાલ આ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રી હેરાન કરતી હતી એટલે કામવાળી રાખવી હતી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સિટીલાઈટ ગાયત્રી મંદિર પાસે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનિયર અંકુર પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પોતાની પત્ની અને 2 મહિનાની પુત્રી સાથે રહેતા હતા. તેમની પુત્રી હેરાન કરતી હોવાથી અંકુરના પત્ની સોનમ ઘરકામ માટે કામવાળી રાખવા અવાર નવાર કહેતા હતા. પરંતુ, અંકુર કામવાળી રાખવાની ના પાડતા હતા. જે બાબતે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન મંગળવારે બપોરે સોનમે એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુક્યું હતું.
ભાઇ હોસ્પિટલમાં લઇ ગયો હતો
જે બાદ સોનમ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમનો ભાઇ અમિત તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સોનમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કામવાળી રાખવા બાબતે પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાના કારણે સોનમબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
આઇસ્ક્રીમ ન ખાવા દેતા પત્નીએ કર્યો આપઘાત
થોડા સમય પહેલા પણ સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લાકડાના વેપાર સાથે જોડાયેલા પરિવારની પરિણીતાએ પતિ સાથે આઇસ્ક્રીમ ખાવા બાબતે થયેલા ઝઘડા બાદ આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતુ. ચાર દિવસ પહેલા થયેલા ઝઘડા બાદ પરિણીતાએ પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. સામાન્ય ઝઘડામાં આપઘાત જેવું પગલું ભરી લેતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મૂળ કચ્છ-ભૂજના નખત્રાણાની વતની એવા ઉષાબેન વિઠ્ઠલભાઇ પટેલ પોતાના પતિ સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર ટીમ્બર ખાતે રહેતા હતા.
મહિલાનો પતિ પરિણીતાના કાકા સાથે લાકડાનો વેપાર કરતો હતો. ચાર દિવસ પહેલા પરિણીતાએ તેના પતિને આઇસક્રીમ ખવડાવવાનું કહ્યું હતું. જોકે, પતિએ આઇસક્રીમ માટે ના પાડી દીધી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. જોકે, પરિણીતાને આ વાતનું લાગી આવતા ચાર દિવાસ બાદ તેણે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને ગાળેફાંસો ખાઈ લીધો હતો.