ઓલપાડ: જન્મદિને લીધેલી સ્પોર્ટ્સ બાઇક બની કાળનો કોળિયો, અકસ્માતમાં બે મિત્રોના મોત

સુરત: ઓલપાડ રોડ પર ગોઝારો અકસ્માત થયો છે. જેમા સાયણ ગામે નહેરકોલોની ખાતે રહેતો યુવક પોતાના જન્મદિને ખરીદેલી સ્પોર્ટ બાઇક પર મિત્રને બેસાડી ઓલપાડ તરફથી આવતો હતો. તે દરમિયાન આગળથી જતા મોપેડને ઓવરટેક કરતી વખતે ગોઝારો અકસ્માત થયો હતો. જેમા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે તેના મિત્રને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ આશાસ્પદ યુવાનોના મોતને કારણે બંને પરિવારોમાં શોકની લાગણી છવાઇ છે.
પોતાના જન્મદિને જ લીધી હતી સ્પોર્ટ્સ બાઇક
આ ગોઝારા અકસ્માતની વાત કરીએ તો, ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રાકેશ વિનોદભાઈ વસાવા (ઉ.વ 21) રહેતા હતા. તેમના ઘરે 18 દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હતો. સ્પોર્ટ બાઇક ચલાવવાનો શોખીન એવા રાકેશ વસાવાનો 13 ઓક્ટોબરે જન્મદિવસ હતો. તેણે તે જ દિવસે તેણે યામાહા કમ્પની R 15 સ્પોર્ટ બાઇક લીધી હતી. જેનો હજુ રજીસ્ટર નંબર પણ આવવાનો બાકી હતો. 24 તારીખને રવિવારે બપોરે 3 વાગ્યાના અરસામાં રાકેશ તેનો મિત્ર કાર્તિક સુંદર વસાવાને પાછળ બેસાડી ઓલપાડથી સાયણ તરફ આવતી વખતે સોસક કોટન મંડળી આગળના રોડ પાસેથી પસાર થઇ રહ્યો હતો.
ઓવરટેક ભારે પડ્યો
આ દરમિયાન તેમની આગળથી જતા મોપેડ નંબર GJ-5 FN-8511ની ઓવરટેક કરવા માટે પુર ઝડપભેર અને ગફલત ભરી રીતે બાઇક હંકારી એક્ટિવા સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્પોર્ટ બાઇક ચાલક રાકેશ વસાવા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેમની પાછળ બાઇક પર બેઠેલા કાર્તિકને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા તેનું સારવાર દરમીયાન મોત થયુ હતુ.
18 દિવસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી
રાકેશે 12 દિવસ પહેલા 13 ઓક્ટોબરે પોતાના જન્મદિવસે ખરીદેલી સ્પોર્ટબાઈક 2 મિત્રોનો કાળનો કોળિયો બની ગઇ હતી. બાઇક ચાલક રાકેશનું અકસ્માત સ્થળે થયેલ મોતના કારણે તેના ઘરે 18 દિવસ પહેલા જન્મેલા માસુમ બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી હતી. પોલીસે અકસ્માત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બંને પરિવારના આશાસ્પદ યુવાનો અકસ્માતનો ભોગ બનતા પરિવારમાં શોકની લાગણી છવાઇ છે.