गुजरात

શિક્ષકોની સજ્જતા કસોટી હવે રાજ્ય સરકાર માટે બની ‘કસોટી’, સરળ ભાષામાં જાણો શું છે આખો વિવાદ

ગાંધીનગર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા સર્વે કસોટી જાહેર કરવામાં આવી છે પરંતુ કસોટીને કારણે ઘણો જ વિવાદ વકર્યો છે. ઘણાં શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર નથી. સોમવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ  કહ્યુ હતુ કે, આ સર્વેક્ષણ ફરજીયાત નથી. જે શિક્ષકો ઈચ્છે તે ભાગ લઈ શકે છે. જોકે, આ દરમિયાન બે શિક્ષક સંઘ સામસામે આવી ગયા છે. આ પરીક્ષાને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો આપ્યો છે. તો બીજી બાજુ આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય શિક્ષક સંઘે બહિષ્કાર કરી પરીક્ષા ન આપવા શિક્ષકોને ફરમાન કર્યું છે. બીજી બાજુ ગુજરાત વાલી મંડળના પ્રમુખે શિક્ષકો વિરૃદ્ધ પત્ર લખી સરકારને કોઈ પણ રીતે પરીક્ષા યોજવા અને કસોટી માટે સમર્થન આપ્યું છે.

શું છે વિવાદ?

રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક સ્કૂલોની શિક્ષકોની સજ્જતા તપાસી સર્વેક્ષણ કરવા માટે કસોટી જાહેર કરવામા આવી છે. જે પહેલા 11મી ઓગસ્ટે થવાની હતી. પરંતુ ત્યારે પણ શિક્ષકોના ઉગ્ર વિરોધને કારણે આ કસોટી મરજીયાત કરવામા આવી હતી. જે બાદ આની તારીખ બદલીને 24મી ઓગસ્ટ કરવામા આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘે તેમજ શૈક્ષિક સંઘે સહિતના તમામ મંડળોએ આ કસોટીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત શિક્ષક સંઘની સરકાર સાથે આ મુદ્દે વાટાઘાટો પણ થઇ હતી. જેથી પ્રાથમિક શિક્ષક સંઘે પરીક્ષા આપવા તૈયારી બતાવી છે. પરંતુ શિક્ષક સંઘનો વિરોધ હજુ યથાવત છે.

‘આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી.’

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સી યોજીને જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી, હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઇ વાત મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે. કસોટીનો વિરોધ નિરર્થક છે. 1.18 લાખ શિક્ષકે પરીક્ષા માટે સહમતિ દર્શાવી છે. શિક્ષકોની ગુણવત્તાની ચકાસણી માટે તેમને શાળાઓના કલસ્ટર જૂથમાં (સીઆરસી) બપોરે 12.30થી 2 કલાક સુધી તાલીમ આપવામાં આવશે. જે બાદ બપોરે 2થી 4 કસોટી લેવામાં આવશે. આ કોઇ કસોટી કે પરીક્ષા નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ.

Related Articles

Back to top button